
જામનગર, 16 ડિસેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકારે 3240 સાયકલનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ સાયકલો જોડિયા તાલુકાના જશાપર ગામમાં રૂ. 2500 ની કિંમતે ખાનગી વેંચાણ ચાલુ હોવાના આક્ષેપો ખુલ્લી રહ્યા છે. જેના કારણે જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને હવે સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સરસ્વતી સાધના યોજના અંતર્ગત સ્કૂલોમાં ધો. 9 માં અભ્યાસ કરતી એસસી, એસટી, ઓબીસી અને ઇડબલ્યુએસની વિદ્યાર્થીનીઓને નિ:શુલ્ક સાયકલો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે, જેથી તેમને સ્કૂલે જવામાં તકલીફ ન પડે, પરંતુ જામનગર જિલ્લામાં આ સરકારી યોજના હેઠળ મળતી સાયકલોના ખાનગી વેંચાણનું કૌભાંડ બહાર આવતા સરકારી તંત્રની પોલ ખુલ્લી ગઇ છે.
આ કૌભાંડમાં જોડિયા તાલુકાના જશાપર ગામમાં રહેતા એક અગ્રણી દ્વારા રૂ. 2500 માં સાયકલનું વેંચાણ કરતું હોવાના આક્ષેપો ગામના જ અમુક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા છે, એક નાના એવા ગામમાં સરકારી સાયકલોમાં વેંચાણથી સરકારી તંત્રમાં દોડધામ મચી ગઇ છે, ધ્રોલ, જોડિયા સહિત જિલ્લાભરમાં આ સરકારી સાયકલોના ખાનગી વેચાણના કૌભાંડથી સરકાર સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
જામનગરના શિક્ષણાધિકારી દ્વારા આ અંગે જાણવા મળ્યું હતું કે, સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલોના ખાનગી વેચાણના સંદર્ભમાં જામનગર જિલ્લાની તમામ શાળાઓમાંથી સાયકલોનું વિતરણ થયું છે. તે અંગેના ડેટાઓ મંગાવવામાં આવી રહ્યા છે. આ તપાસમાં જે સ્કૂલો દોષિત જણાશે તેની સામે કાયદેસરના કડક પગલા લેવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt