
અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી તાલુકા પોલીસે સમયસર કાર્યવાહી કરી ગેરકાયદે રીતે લઈ જવાતા કુલ 268 ઘેટા-બકરાનો જીવ બચાવ્યો છે. અમરેલી તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે અમરેલી–સાવરકુંડલા રોડ ઉપર મોટા ગોખરવાળા ગામથી રાજસ્થળી ગામના પાટિયા પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા તેમાં ઘેટા-બકરાઓને અત્યંત ક્રૂર રીતેぎચો-ખીચ ભરી રાખવામાં આવ્યા હોવાનું જણાયું હતું.
ટ્રકમાં નાના-મોટા ઘેટા અને બકરાઓને ઉપર છાપરી ભરી રાખવામાં આવ્યા હતા, જેથી ગુગળાઈ જવાથી પ્રાણીઓના મૃત્યુનો ભય હતો. ઉપરાંત પ્રાણીઓ માટે પૂરતું પાણી કે ઘાસચારો પણ રાખવામાં આવ્યો ન હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વાહનમાં પશુ પરિવહન માટે જરૂરી સક્ષમ અધિકારી અથવા વેટરનરી ઓફિસરના પ્રમાણપત્ર તેમજ પાસ-પરમિટ પણ હાજર ન હતા. ગેરકાયદે રીતે પશુઓને હેરાફેરી કરી કતલખાને લઈ જવાના ઈરાદાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસે કુલ 268 ઘેટા-બકરાઓ, જેની અંદાજિત કિંમત રૂ. 13,40,000 થાય છે, તેમજ ટ્રક નં. GJ-14-AT-1300, કિંમત રૂ. 23,00,000 મળી કુલ રૂ. 36,40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે અમરેલી તાલુકા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai