
અમદાવાદ, 16 ડિસેમ્બર (હિ.સ.) ગઈકાલે રાત્રે અમદાવાદના રામોલમાં કાર સ્લીપ ખાઈ છાપરામાં ઘૂસી ગઈ હતી,છાપરામાં સૂઈ રહેલા પરિવારને કચડ્યો હતો જેમાં 4 ઈજાગ્રસ્ત થયા.
રામોલ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યાં રામોલ ગામમાં આવેલા તળાવ પાસે ગઈકાલે રાત્રે શ્રમિક પરિવાર છાપરામાં સુઈ રહ્યો હતો ત્યારે ત્યારે અચાનક જ રાત્રે 12 વાગ્યાની આસપાસ પૂરઝડપે એક ફોર વ્હીલર ગાડી તેમના છાપરામાં ઘૂસી ગઈ હતી.
અકસ્માતમાં શ્રમિકનો પરિવાર અંદર ફસાઈ ગયો હતો. આસપાસના લોકોએ ભેગા થઈને ગાડી ઊંચી કરીને ચાર લોકોને બહાર કાઢ્યા હતા, જેમાંથી મુકેશભાઈ, તેમના પત્ની અને બે બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
અમદાવાદના રામોલના રામોલ ગામમાં આવેલા તળાવ પાસે ગઈકાલે રાત્રે શ્રમિક મુકેશ ડામોર અને તેમનો પરિવાર જમીને સુઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ રાત્રે 12 વાગ્યાની આસપાસ પૂરઝડપે એક ફોર વ્હીલર ગાડી તેમના છાપરામાં ઘૂસી ગઈ હતી. ગાડી અંદર ઘૂસતા મુકેશભાઈ અને તેમનો પરિવાર ફસાઈ ગયો હતો. મુકેશ ભાઈએ બુમાબુમ કરતા આજુબાજુના છાપરાવાળા અને આસપાસના લોકો ભેગા થયા હતા જેમને ગાડી ઊંચી કરીને તમામ લોકોને બહાર કાઢ્યા હતા.
પોલીસે સ્થળ પરથી કાર કબજે કરીને કારચાલકની ધરપકડ કરી
અકસ્માતમાં મુકેશભાઈને જમણા પગે ઇજા થઈ, જ્યારે તેમના પત્નીને પેટના અને છાતીના ભાગા થઈ છે.
મુકેશભાઈના દીકરા-દીકરીને પણ ઇજા પહોંચતા અકસ્માતમાં કુલ ચાર લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી કાર કબજે કરીને કારચાલકની ધરપકડ કરી હતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બેફામ રીતે ચાલી રહેલી કાર છાપરામાં ઘૂસતી દેખાઈ હતી.
આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પીઆઇ એ.વાય પટેલે જણાવ્યું હતું કે, અકસ્માતમાં 2 લોકોને ફ્રેક્ચર, એકને માથામાં ઇજા અને એકને સામાન્ય ઇજા પહોંચી હતી. હાલ ત્રણ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે જ્યારે એકની હાલત સુધારા પર છે. કારચાલક સામે MV એક્ટ ઉપરાંત કલમ 110 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ