
મહેસાણા,16 ડિસેમ્બર (હિ.સ.)
મહેસાણા જિલ્લામાં આજ રોજ પ્રભારી સચિવની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મતદારયાદી સઘન સુધારણા (SIR) કાર્યક્રમની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી મતદારયાદી ચોક્કસ, અપડેટ અને ભૂલરહિત બને તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લામાં હાલ અમલમાં રહેલા મહત્વના પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. વિકાસ કાર્યો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા વધુ સતર્કતા રાખવાની સૂચના આપવામાં આવી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા રજૂ થયેલ પ્રશ્નો અને ફરિયાદોની સમીક્ષા કરી, તેમના ઝડપી અને અસરકારક નિવારણ માટે સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવાયું.
બેઠક દરમિયાન પ્રગતિ પોર્ટલ પર નોંધાયેલ કેસોની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને લંબિત અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો. આયોજન વિભાગ હેઠળ ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની સ્થિતિ અંગે ચર્ચા કરી, જરૂરી સુધારાત્મક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી.
આ બેઠકમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી સચિવે જિલ્લાનો સર્વાંગી વિકાસ અને જનહિતના કામોને પ્રાથમિકતા આપવા પર ખાસ ભાર મૂક્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR