
અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.): ધારી તાલુકાના બોરડી ગામે રૂ. ૨.૦૦ કરોડના ખર્ચે નિર્માણાધીન પુલ તથા સીસી રોડના વિકાસકામનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પ્રતિબદ્ધ છે. બોરડી ગામે નિર્માણ થનારો આ પુલ અને સીસી રોડ ગ્રામ્ય માર્ગસુવિધાને વધુ મજબૂત બનાવશે અને વર્ષોથી ચાલતી અવરજવર સંબંધિત સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવશે.
નવા પુલના નિર્માણથી ચોમાસા દરમિયાન થતી મુશ્કેલીઓ દૂર થશે અને ગામને નજીકના વિસ્તારો સાથે વધુ સારી રીતે જોડાણ મળશે. સાથે સાથે સીસી રોડના કામથી વાહનવ્યવહાર સુગમ બનશે તેમજ ગામના આર્થિક અને સામાજિક વિકાસને વેગ મળશે. બોરડી સહિત આસપાસના ગામોના લોકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે. ગ્રામજનો દ્વારા સરકાર અને લોકપ્રતિનિધિઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિકાસના આ કાર્યથી બોરડી ગામના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai