
મહેસાણા,16 ડિસેમ્બર (હિ.સ.)
એ.પી.એમ.સી. મહેસાણા અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સહકાર સેલ દ્વારા આયોજિત સહકાર સ્નેહમિલન તથા ખેડૂતલક્ષી વિકાસના વિવિધ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન માર્કેટ યાર્ડ મહેસાણા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો, ખેડૂત પ્રતિનિધિઓ, વેપારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના હિતમાં અમલમાં મૂકાયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના કારણે માર્કેટ યાર્ડની સુવિધાઓમાં વધારો થશે અને ખેડૂતોને તેમની પેદાશના વેચાણમાં વધુ સહુલિયત મળશે. સહકાર સ્નેહમિલન દ્વારા સહકારી સંસ્થાઓ, ખેડૂત સમાજ અને વેપારી વર્ગ વચ્ચે સંવાદ અને સહકાર મજબૂત બનાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો.
વક્તાઓએ પોતાના સંબોધનમાં સહકાર ક્ષેત્રની મહત્તા ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા ખેડૂતલક્ષી યોજનાઓ અને વિકાસ કાર્યોના લાભ અંતિમ ખેડૂત સુધી પહોંચે તે માટે સહકાર ક્ષેત્રને વધુ સશક્ત બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધવામાં આવ્યો હતો. આ પ્રસંગે સહકાર ક્ષેત્રને નવી દિશા અને ગતિ આપવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR