
જુનાગઢ, 16 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં પતંગ ઉડાડવા કે ચગાવવાના હેતુથી ચાયનીઝ તુક્કલ- લેન્ટર્ન તથા ચાયનીઝ માંઝા, ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયનોલ થ્રેડ દોરીના ઉત્પાદન, વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, તહેવારો દરમિયાન આર્થિક ફાયદા સારું ઉક્ત 'પ્રતિબંધિત સાધન સામગ્રી'નો વેંચાણ કે વપરાશ થવા પામતો હોઇ છે, આવી પ્રતિબંધિત સાધન સામગ્રીના કારણે માનવ તથા પશુ-પક્ષીઓને હાનિ થાય અને જીવનું જોખમ વધે અથવા તો મૃત્યુ થાય, જેથી જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષાના જાળવવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ આ જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. પરંતુ, પતંગ ઉડાડવા કે ચગાવવાના હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકો જેવા કુદરતી એડહેસિવની મદદથી કાચના પાવડરનું કોટિંગ કરેલ ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતો કોટનનો માંજો, જે સંપૂર્ણપણે તૂટી શકે તેવો હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલ હોય તથા તેમાં તમામ ઘટકો બાયો-ડિગ્રેડેબલ પદાર્થો હોવા જોઈએ તથા કોટનના દોરા પર કોટિંગ માટેનો કાચનો પાવડર ૧૦ ટકાથી વધુ ન હોવો જોઈએ, જયારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ ૩૦ ટકા, મેંદો ૩૬ ટકા, કુદરતી ગુંદર અને રંગ ૨૪ ટકા કોટેડ સામગ્રીનો હોઈ શકે તથા કાચનો પાવડર, જે કોટિંગ પદાર્થનો ૧૦ ટકા હોઈ શકે છે, પરંતુ, તે કોટનના માંજાના કુલ વજનના ૦.૫ ટકાથી વધુ ન હોવું જોઈએ તેવો કોટનનો માંજો/દોરી વાપરી વાપરી શકાશે.
આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, 2023ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામુ તા.૧૬/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ