
- કમલ તળાવમાં 150 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવાયું
અમદાવાદ, 16 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ શહેરમાં દાનીલીમડાના ચંડોળા તળાવ, ઇસનપુર તળાવ બાદ હવે સરદારનગર વોર્ડમાં આવેલા કમળ તળાવ પરથી દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરના ઉત્તર ઝોનના સરદાર નગર વોર્ડમાં આવેલા કમળ તળાવ પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે.
કુબેરનગર ITI રોડ પર આવેલા કમલ તળાવમાં આજ સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે.
તળાવમાં 150 જેટલા કાચા-પાકા મકાનો ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ ખાલી ન કરવામાં આવતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
અહીં વર્ષોથી રહેલા લોકો આંખોની સામે જ પોતાના મકાનો તૂટતા જોઈને ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યા છે. લોકો પોતાનો આક્રોશ ઢાલવતા જણાવ્યું છે કે, મકાન સામે મકાન આપવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.
વિધવા મહિલાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, અમે અહીં 50 વર્ષથી રહેતા હતા. મારા ઘરવાળાનો એક્સિડન્ટ થઈ ગયો અને તે મરી ગયા છે અને મારા બે દીકરા છે. હું કામ કરીને મારા બાળકોનું પૂરું પાડું છું. મારું એક મકાન હતું તે પણ ન રહેવા દીધું. અમને બીજું મકાન આપીશું તેમ કહ્યું પણ હજી આપ્યું નથી.
મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની નજર સામે જ ઘર તબાહ થતાં જોઈને મહિલાઓ, બાળકો અને પુરુષો જેવા પુુરુષો પણ રડી પડ્યાં હતાં. મહિલાઓની તો રડી રડીને હાલત ખરાબ થઈ જવા પામી હતી. આ દરમિયાન એક મહિલા બેભાન પણ થઈ ગઈ હતી. સ્થાનિકોની માગ છે કે, અમે બીજે જવા માટે તૈયાર છીએ, પરંતુ અમને વૈકલ્પિક મકાનની વ્યવસ્થા આપવામાં આવી નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ