
અમરેલી, 16 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી તાલુકાના નાના ગોખરવાળા મુકામે ગ્રામ પંચાયત (ગ્રામ સચિવાલય)ના નવનિર્મિત મકાનના વિકાસકામનું ખાતમુહૂર્ત રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક તથા સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું. અંદાજે રૂ. ૨૦ લાખના ખર્ચે બનનારા આ ગ્રામ સચિવાલયનું બાંધકામ કાર્ય ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવશે, જેથી ગ્રામજનોને સરકારી સેવાઓ વધુ સુગમ અને સુવ્યવસ્થિત રીતે મળી રહેશે.
આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર શહેર સાથે સાથે ગામડાઓના વિકાસને પણ સમાન પ્રાધાન્ય આપી રહી છે. હવે વિકાસ માટે વારંવાર દફ્તરોના ધક્કા ખાવાનો સમય રહ્યો નથી. સરકાર જનહિતના મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ છે અને દરેક રજૂઆતને ગંભીરતાપૂર્વક સાંભળીને ત્વરિત નિર્ણય લેવામાં આવે છે.
રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે તાજેતરમાં ઐતિહાસિક રૂ. ૧૦ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. ખેડૂતોની વીજળી સંબંધિત સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે PGVCL હસ્તકની અમરેલી ગ્રામીણ પેટા વિભાગ કચેરીનું વિભાજન કરી નવા અમરેલી ગ્રામીણ-૨ પેટા વિભાગની રચનાને ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે હવે ખેડૂતોની વીજ સમસ્યાઓ ભૂતકાળ બની જશે.
નાના ગોખરવાળામાં યોજાયેલા આ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયા, તાલુકા પંચાયતના સભ્યઓ, ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ નવનિર્મિત ગ્રામ સચિવાલય ગ્રામ્ય વિકાસ માટે મહત્વપૂર્ણ પગથિયો સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai