


મહેસાણા, 16 ડિસેમ્બર (હિ.સ.) : ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા દ્વારા “સેવ એનર્જી, સેવ અર્થ” વિષય પર એક વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ, સુરક્ષિત અને સસ્ટેનેબલ ભવિષ્યના નિર્માણ માટે ઊર્જાનો યોગ્ય ઉપયોગ જરૂરી હોવાનું સંદેશ આ રેલી દ્વારા આપવામાં આવ્યો હતો.
રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ મુખ્ય માર્ગો પર ચાલીને ઊર્જા બચત, કુદરતી સંસાધનોના સંરક્ષણ અને હરિત પર્યાવરણના મહત્વ અંગે લોકોને અવગત કર્યા હતા. વિવિધ સૂત્રોચ્ચારો અને સંદેશાત્મક નારા દ્વારા વિદ્યાર્થીઓએ પર્યાવરણ પ્રત્યે જવાબદારીપૂર્ણ વલણ અપનાવવાનો આહ્વાન કર્યો હતો.
આ જાગૃતિ રેલીનું ઉદ્ઘાટન પૂજ્ય સંતો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિઓ, સહકારી બેંકના આગેવાનો તેમજ શાળા કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શાળા વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા જાતે તૈયાર કરેલા પ્લેકાર્ડ, પવનચક્કી અને વૃક્ષોના મોડેલ સૌનું ધ્યાન આકર્ષતા રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના સ્ટાફ દ્વારા સલામતી અને શિસ્તની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં નાની ઉંમરથી જ ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વિકસે છે, એવો સંદેશ રેલી દ્વારા આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR