
જામનગર, 16 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના અંબાવિજય સોસાયટીમાં રહેતાં શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની શિપિંગ પેઢીના ભાગીદાર દ્વારા 2020 થી 2024 સુધીના સમય દરમિયાન કંપનીના કર્મચારી ન હોવા છતાં દંપતિના ખાતામાં રૂ. 6.69 કરોડની ભાગીદારે ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના સરૂ સેક્શન રોડ ઉપર આવેલી અંબાવિજય સોસાયટીમાં રહેતાં રાકેશભાઇ મણિલાલભાઇ બારાઇ (ઉ.વ.56) નામના વેપારીની વરૂણ શિપિંગ નામક કંપની વિજય મનોહરલાલ નારંગ સાથે ભાગીદારીમાં ચાલતી હતી. આ ભાગીદારી પેઢીમાં નાણાકીય વ્યવહારો કોઇપણ એક ભાગીદારની સહીથી રકમ બેન્કમાંથી ઉપડતી હતી. ઉપરાંત રાકેશભાઇને હોટલનો પણ વ્યવસાય હોવાથી સતત મુંબઇ, અમદાવાદ સહિતના શહેરોમાં મુસાફરી કરવી પડતી હોવાથી મોટાભાગનો સમય બહારગામ રહેતાં હતાં. આ દરમ્યાન વર્ષ 2020 થી 2024 ઓગસ્ટ સુધીના ચાર વર્ષના સમયગાળા દરમ્યાન વરૂણ શિપિંગના ભાગીદાર વિજય નારંગએ તેની કંપનીના કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો કલ્પેશ મનસુખ જડિયા અને પૂજાબેન કલ્પેશ જડિયા નામનું દંપતિ શિપિંગ કંપનીના કર્મચારી ન હોવા છતાં જુદા જુદા ખાતામાં રૂ. 6,69,14,605ની રકમ ખાતામાં નાખી હતી. તેમજ વિજય નારંગએ શિપિંગ કંપનીના કર્મચારી ન હોવા છતાં પરિવારના સભ્યોના બેંક ખાતામાં રૂપિયા 6.69 કરોડની રકમ વરૂણ શિપિંગ કંપનીમાંથી રાકેશ બારાઇનો વિશ્વાસઘાત કરી ઉચાપત કરી હતી. આટલી માતબર રકમની ઉચાપત અંગેની જાણ થતાં રાકેશ બારાઇ દ્વારા વિજય નારંગ પાસે ઉઘરાણી કરાતા વિજય નારંગએ તેના ભાગીદાર રાકેશ બારાઇને ધાકધમકી આપી હતી.
આ બનાવ અંગે રાકેશભાઇ દ્વારા તેના જ ભાગીદાર વિજય નારંગ વિરૂઘ્ધ રૂા. 6.69 કરોડની છેતરપિંડી અને ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt