
નવી દિલ્હી, 17 ડિસેમ્બર (હિ.સ.) ભારતમાં બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ
હમીદુલ્લાહને બુધવારે, વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને બાંગ્લાદેશમાં
બગડતા સુરક્ષા વાતાવરણ અંગે ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે અપેક્ષા
વ્યક્ત કરી હતી કે,’વચગાળાની સરકાર તેની રાજદ્વારી જવાબદારીઓ અનુસાર બાંગ્લાદેશમાં
મિશન અને દૂતાવાસોની સુરક્ષા સુનિશ્ચિત કરશે.’
હાઈ કમિશનરનું ધ્યાન ખાસ કરીને, કેટલાક ઉગ્રવાદી તત્વોની
પ્રવૃત્તિઓ તરફ દોરવામાં આવ્યું હતું. જેમણે ઢાકામાં ભારતીય દૂતાવાસની આસપાસ
અસુરક્ષાનું વાતાવરણ બનાવવાની યોજનાઓની જાહેરાત કરી છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” ભારત
બાંગ્લાદેશમાં તાજેતરની કેટલીક ઘટનાઓ અંગે ઉગ્રવાદી તત્વો દ્વારા, ફેલાવવામાં આવી
રહેલી ખોટી વાર્તાને સંપૂર્ણપણે નકારી કાઢે છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે, વચગાળાની
સરકારે આ ઘટનાઓ અંગે ન તો સંપૂર્ણ તપાસ હાથ ધરી છે કે, ન તો ભારત સાથે કોઈ
અર્થપૂર્ણ પુરાવા શેર કર્યા છે.”
બાંગ્લાદેશના લોકો સાથેના, ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોનો
ઉલ્લેખ કરતા, વિદેશ મંત્રાલયે
કહ્યું કે,” ભારત બાંગ્લાદેશમાં શાંતિ અને સ્થિરતાને સમર્થન આપે છે અને શાંતિપૂર્ણ
વાતાવરણમાં મુક્ત, ન્યાયી, સમાવિષ્ટ અને
વિશ્વસનીય ચૂંટણીઓ માટે સતત હાકલ કરે છે.”
હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ