
અમરેલી,18 ડિસેમ્બર (હિ.સ.) સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષણનું સ્તર સુધરે તેવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક ખાનગી શાળાની મહિલા શિક્ષિકા ગરીબ અને વંચિત બાળકોના જીવનમાં શિક્ષણનો દીવો પ્રગટાવી રહી છે. સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલ વિચરતી વિમુખતી જાતિના ગરીબ પરિવારોની ઝૂંપડપટ્ટીમાં પતરાના શેડ નીચે ચાલતી આ અનોખી શાળાએ અનેક બાળકોના ભવિષ્યને નવી દિશા આપી છે.
B.Sc., B.Ed. સુધી અભ્યાસ કરેલી શિક્ષિકા ધારાબેન ગોહિલ છેલ્લા ચાર વર્ષથી નિઃશુલ્ક સેવા ભાવથી આ ગરીબ બાળકોને ભણાવી રહી છે. દિવસ દરમિયાન ખાનગી શાળામાં શિક્ષણ આપ્યા બાદ બપોર પછી દરરોજ બે કલાક તેઓ ઝૂંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણ વર્ગો ચલાવે છે. ખંભે દફતર લઈને આવતા નાનાં-નાનાં બાળકો પતરાના શેડ નીચે બેસીને ધોરણ 4 થી ધોરણ 10 સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે.
આ વર્ગોમાં માત્ર ધારાબેન ગોહિલ જ નહીં, પરંતુ તેમની સાથે અન્ય ત્રણથી ચાર શિક્ષિકાઓ પણ જોડાઈ છે. સૌ સાથે મળી બાળકોને ગણિત, હિન્દી અને અંગ્રેજી જેવા વિષયોના પાઠ્યપુસ્તકો ભણાવવામાં આવે છે. બાળકો પણ ખૂબ ઉત્સાહ અને હોંશથી અભ્યાસ કરે છે. મોંઘા ખાનગી ટ્યુશન ક્લાસિસની ચમકધમક વચ્ચે આ ગરીબ બાળકો માટે પતરાનો શેડ જ શાળાનું સ્વપ્ન સાકાર કરી રહ્યો છે.
આજના સમયમાં ઘણા શિક્ષકો સ્કૂલના સમય બાદ ખાનગી ટ્યુશન ચલાવી આવક વધારતા હોય છે, ત્યારે ધારાબેન ગોહિલ પોતાની નોકરીના સમય પછી પણ કોઈ આર્થિક લાભ વિના ગરીબ બાળકો માટે મહેનત કરી રહ્યા છે. પોતાના ખાનગી શાળાના પગારમાંથી જ તેઓ બાળકોને પેન્સિલ, પુસ્તકો અને અન્ય સ્ટેશનરી સામગ્રી પૂરી પાડે છે. આ નિઃસ્વાર્થ સેવા તેમને અન્ય શિક્ષકો માટે પ્રેરણાસ્રોત બનાવે છે.
વિદ્યાર્થી પ્રિયાંશી માંડવીયાના જણાવ્યા મુજબ, શિક્ષણના સ્તરને સુધારવા અને ગરીબ બાળકોને યોગ્ય તક મળે તે માટે મહિલા શિક્ષિકાઓ સતત મહેનત કરી રહી છે. ચાર વર્ષ પહેલાં માત્ર ચાર બાળકો સાથે શરૂ થયેલી આ પહેલ આજે વધીને 70 બાળકો સુધી પહોંચી છે, જે ધોરણ 4 થી ધોરણ 10 સુધી અભ્યાસ કરી રહ્યા છે. આ સફળતા જોઈને ધારાબેન ગોહિલના ચહેરે સંતોષ અને આનંદ સ્પષ્ટ દેખાય છે.
ઝૂંપડપટ્ટીના આ બાળકો માટે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી, પરંતુ તે તેમના જીવનને નવી ઓળખ અને આત્મવિશ્વાસ આપે છે. પતરાના શેડ નીચે ચાલતી આ શાળા એ સાબિત કરે છે કે સાચી શિક્ષણસેવા માટે ભવ્ય ઈમારત કે મોટા સાધનો નહીં, પરંતુ સમર્પણ અને માનવતાની જરૂર હોય છે. સાવરકુંડલાની ધારાબેન ગોહિલ આજે ખરેખર ગરીબ બાળકોના ભવિષ્યમાં શિક્ષણની અનોખી જ્યોત પ્રજલવિત કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai