જિલ્લા ચૂંટણી અધિકારી એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં પ્રાંત ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
ગીર સોમનાથ, 19 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ની લાયકાત તારીખને આધારે ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારા (Special Intensive Revision–2026) પ્રક્રિયા અમલમાં મૂકાઈ છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં
પ્રાંત ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ


ગીર સોમનાથ, 19 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ની લાયકાત તારીખને આધારે ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારા (Special Intensive Revision–2026) પ્રક્રિયા અમલમાં મૂકાઈ છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં મુસદ્દારૂપ મતદારયાદી પ્રસિદ્ધ કરી અને માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોને નકલ આપવામાં આવી હતી.

આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર એન. વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વેરાવળ પ્રાંત ઓફિસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૪ વિધાનસભા મતવિસ્તારો ૯૦ સોમનાથ, ૯૧ તાલાળા, ૯૨ કોડીનાર અને ૯૩ ઉનાનો સમાવેશ થાય છે.

ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું હતું કે, મતદાન મથકોના પુનર્ગઠન બાદ ગીર સોમનાથ જિલ્લામાં હવે કુલ ૧,૧૪૪ મતદાન મથકો અસ્તિત્વમાં આવ્યાં છે. જે અગાઉ ૧,૦૪૨ હતાં. આ રીતે કુલ ૧૦૨ મતદાન મથકોનો વધારો થયો છે. આ દરેક મતદાન મથકો પર વધુમાં વધુ ૧,૨૦૦ મતદારો રહેવાના છે.

મતદારયાદી સુધારણાની આંકડાકીય વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, તા. ૦૧/૧૦/૨૦૨૫ ના રોજની સ્થિતિએ ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૯,૪૨,૩૧૪ મતદારો નોંધાયા છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા ઘરે-ઘરે જઈ તમામ મતદારોને ગણતરી ફોર્મ (Enumeration Forms) નું વિતરણ તા.૦૪/૧૧/૨૦૨૫ થી ૦૭/૧૧/૨૦૨૫ કરવામાં આવ્યું હતું. આ ગણતરી ફોર્મ તા.૦૪/૧૧/૨૦૨૫ થી ૧૪/૧૨/૨૦૨૫ સુધી પરત મેળવવાની કામગીરી કરવામાં આવી હતી.

આ પ્રક્રિયા દરમિયાન ૮,૯૭,૧૦૯ મતદારોનું વર્ષ ૨૦૦૨ની મતદારયાદી સાથે મેપિંગ કરવામાં આવ્યું છે. જે ગણતરી ફોર્મ પરત મળ્યા નથી તેવા ૮૧,૪૭૧ મતદારોને ASD (ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા) તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તે ASD (ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા) મતદારોનો તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવેલ નથી.

પરત ન મળેલ (Uncollectable) કુલ ૮૧,૪૭૧ માં મૃત્યુ (Death): ૨૯,૭૯૬, કાયમી સ્થળાંતર (Permanently Shifted): ૧૦,૬૮૫, ન મળી આવેલ/ગેરહાજર (Untraceable/Absent): ૩૨,૪૫૪, અગાઉથી નોંધાયેલ (Already Enrolled): ૧૯૫, અન્ય કારણો: ૮,૩૪૧ નો સમાવેશ થાય છે.

આ પ્રક્રિયા માટે જિલ્લાના દરેક મતદાન મથક પર બૂથ લેવલ ઓફિસર (BLO) અને બૂથ લેવલ એજન્ટ (BLA) ની બેઠકો સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ ચૂંટણીપંચની સૂચના અનુસાર વખતોવખત બેઠક કરવામાં આવી છે. જિલ્લાના પ્રભારી સચિવ અને રોલ ઓબ્ઝર્વર શ્રી જેનું દેવન દ્વારા પણ આ અંગેની રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી છે.

આ બેઠકોમાં BLO દ્વારા BLA ને ગેરહાજર (Absent), સ્થળાંતરિત (Shifted), અને મૃત્યુ પામેલા (Death) મતદારોની વિગતવાર યાદી સુપરત કરવામાં આવી છે. આ બેઠકોની કાર્યવાહી (Meeting Proceedings) ની નકલ જાહેર જનતાની જાણકારી માટે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતની વેબસાઇટ અને જિલ્લાની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જિલ્લા કક્ષાએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, ગીર સોમનાથ દ્વારા અને વિવિધ વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારીઓ (EROs) દ્વારા સમયાંતરે રાજકીય પક્ષો સાથે બેઠકો યોજીને SIR કાર્યક્રમની પ્રગતિ અને સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવી છે. આ બન્ને યાદી જાહેર જનતા જોઇ શકે તે માટે તમામ મતદાન મથકોએ તથા ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ મૂકવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુસદ્દા મતદારયાદી સંબંધે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. ૧૯/૧૨/૨૦૨૫ થી તા. ૧૮/૦૧/૨૦૨૬ સુધી નિયત કરવામાં આવી છે. તા. ૧૯/૧૨/૨૦૨૫ થી તા. ૧૦/૦૨/૨૦૨૬ દરમિયાન જે મતદારનું ૨૦૦૨ને મતદારયાદી સાથે મેપિંગ થઈ શકેલી નથી. તેઓને નોટિસ ઇશ્યૂ કરવી, સુનાવણી અને ચકાસણી, ગણતરી ફોર્મ પર નિર્ણય તથા સાથે સાથે EROs દ્વારા હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. આ વાંધા-અરજીઓની ચકાસણી અને સુનાવણીની પ્રક્રિયા સંબંધિત મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી (AERO) દ્વારા હાથ ધરવામાં આવશે. દરેક ERO દરરોજ વધુમાં વધુ આ પ્રકારની ૫૦ વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરશે.

મતદારો જરૂરી પુરાવા સાથે ફોર્મ નંબર ૬ ભરીને નામ દાખલ કરવા અને ચૂંટણી કાર્ડમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે ફોર્મ નં-૮ ભરીને તેમના વિસ્તારના બુથ લેવલ ઓફિસરને આપી શકશે. અને ત્યારબાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજ તા. ૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે. તેમ તેમણે સઘન મતદારયાદી સુધારણાના મુસદ્દાની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરતાં જણાવ્યું હતું.

આ પ્રેસ કોન્ફરન્સ વખતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, પત્રકારશ્રીઓ તથા જિલ્લા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande