
જામનગર, 18 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં એરફોર્સ -2 રોડ પર બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અખિલભાઇ શર્મા નામના પરપ્રાંતિય વેપારીના મકાનમાં ગઈકાલે રાત્રિના પોણા આઠ વાગ્યાના અરસામાં આગ લાગી હતી. વેપારી અખીલ શર્મા પાસે જ આવેલી પોતાની દુકાનમાં વેપાર કરી રહ્યા હતા જ્યારે તેમના પત્ની વગેરે શાકભાજી ખરીદવા માટે બહાર ગયા હતા. આ દરમિયાન તેઓના થોડો સમય માટે બંધ રહેલા રહેણાક મકાનમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને તમામ ઘરવખરી સળગી ઊઠી હતી. આગના આ બનાવ અંગેની ફાયર શાખા ને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
પરંતુ તે પહેલા ફર્નિચર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા માલસામાન વગેરે બળીને ખાખ થયા હતા. મકાન માલિકના કેટલાક ઘરેણા અને રોકડ બચાવી લઇ ફાયર બ્રિગેડની ટુકડીએ પોલીસની હાજરીમાં મકાન માલિકને સુપ્રત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt