
અમરેલી,18 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હવે મહિલાઓ માત્ર ઘરગથ્થુ કામ સુધી સીમિત નથી રહી, પરંતુ આત્મનિર્ભર બની પોતાના પરિશ્રમથી આર્થિક રીતે મજબૂત બની રહી છે. આવી જ એક પ્રેરણાદાયી કહાણી લીલીયા તાલુકાના ગોઢાવદર ગામની મહિલા નીતા ગજેરાની છે, જેમણે સાબુ બનાવવાના વ્યવસાય દ્વારા પોતાનું અને પરિવારનું જીવન બદલ્યું છે.
માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરેલી નીતા ગજેરાએ એક વર્ષ પહેલા ઘરેથી જ સાબુ બનાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં નાનકડા પાયે શરૂ કરેલા આ પ્રયાસ આજે સમગ્ર ગુજરાત સુધી પહોંચ્યો છે. નીતાબેન હાલમાં એલોવેરા, લીમડા, કેસુડો, મોગરા, કપૂર સહિત કુલ 12 પ્રકારના હર્બલ અને કુદરતી સાબુ બનાવે છે. આ તમામ સાબુઓમાં કુદરતી ઘટકોનો ઉપયોગ થતો હોવાથી લોકોમાં તેની માંગ સતત વધી રહી છે.
નીતા ગજેરાના જણાવ્યા મુજબ, તેઓ પ્રતિ નંગ સાબુ 25 રૂપિયાના ભાવે વેચે છે. દર મહિને અંદાજે 5000 જેટલા સાબુનું વેચાણ થાય છે. ગોઢાવદર ગામ જેવા ગ્રામ્ય વિસ્તારમાં રહીને પણ તેઓ સમગ્ર ગુજરાતમાં કુરિયર મારફતે સાબુ મોકલે છે. શહેરો ઉપરાંત નાના ગામડાઓમાંથી પણ તેમના સાબુ માટે ઓર્ડર મળવા લાગ્યા છે.
આ સાબુ વ્યવસાયથી નીતાબેનને દર મહિને અંદાજે 70 હજાર રૂપિયાથી વધુની આવક થાય છે. આ આવક માત્ર નીતાબેન માટે જ નહીં, પરંતુ તેમના પરિવાર માટે પણ મોટો આધાર બની છે. પહેલાં જ્યાં ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બનતો હતો, ત્યાં આજે તેઓ સ્વાભિમાન સાથે પોતાના પગ પર ઊભા છે.
ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ નીતા ગજેરા જેવી મહિલાઓ એ સાબિત કરી રહી છે કે સાચી પ્રેરણા અને મહેનત હોય તો ઓછા સાધનોમાં પણ મોટું સ્વપ્ન સાકાર કરી શકાય છે. ઘરેલું સ્તરે શરૂ થયેલો સાબુ બનાવવાનો વ્યવસાય આજે એક સફળ ઉદ્યોગ બની ગયો છે.
ગોઢાવદર ગામની નીતા ગજેરા આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણા બની છે. અનેક મહિલાઓ તેમના સંપર્કમાં આવી સાબુ બનાવવાની માહિતી મેળવી રહી છે. નીતાબેનનું માનવું છે કે જો મહિલાઓને યોગ્ય માર્ગદર્શન અને આત્મવિશ્વાસ મળે તો તેઓ પણ આ રીતે પોતાનું સ્વાવલંબન ઊભું કરી શકે.
સુગંધિત સાબુ સાથે જોડાયેલી આ સફળતાની કહાણી એ દર્શાવે છે કે અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ હવે નવી દિશામાં આગળ વધી રહી છે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai