
ગીર સોમનાથ 18 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યોએ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અવસરે સમિતિના સભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કનુભાઈ પટેલ, હર્ષદકુમાર પટેલ, ભગવાનભાઈ કરગટિયા, જયદ્રથસિંહ પરમાર, સંગીતાબેન પાટીલ, માનસિંહ ચૌહાણ અને અરવિંદ પટેલ સહિતના સમિતિના સભ્યો અને અધિકારીઓએ સોમનાથ મહાદેવના દર્શન કરીને રાજ્ય તથા દેશની સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મંદિર ટ્રસ્ટ દ્વારા સમિતિના સભ્યોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સોમનાથ મંદિરના ઐતિહાસિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્તા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ મંદિર પરિસરમાં ચાલી રહેલી વિકાસ કામગીરી, યાત્રિક સુવિધાઓ અને સંરક્ષણ પ્રવૃત્તિઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમિતિના સભ્યોએ સોમનાથ મંદિરની સ્વચ્છતા, વ્યવસ્થાપન તથા શ્રદ્ધાળુઓ માટે ઉપલબ્ધ સુવિધાઓની પ્રશંસા કરી હતી. મંદિર પરિસરમાં અનુભવી આધ્યાત્મિક શાંતિ અને પવિત્ર વાતાવરણ અંગે સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ