
સોમનાથ,18 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ રેલવે સ્ટેશન પરના પાટા પર આત્મહત્યા કરવા પહોંચેલી યુવતીની મદદે 181 અભયમ ટીમ આવી હતી અને યુવતીનું કાઉન્સેલિંગ કરી અને પરિવારજનોને સોંપવામાં આવી હતી.
વધુ વિગતો આપતા વેરાવળ 181 મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર મનીષા વઢવાણાએ જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક ખાતેથી જાગૃત નાગરિકનો ફોન આવ્યો હતો કે, એક યુવતી નિઃસહાય છે અને મદદની જરૂર છે. આથી 181 ટીમ સાથે હું અને કોન્સ્ટેબલ વર્ષાબેન નંદાણિયા, પાયલોટ રમેશ બામણિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતાં અને યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું.
યુવતીનું કાઉન્સેલિંગ કરતા યુવતીએ જણાવ્યું હતું કે, પરિવારજનોએ મને મેળામાં જવાની ના પાડી હતી જેથી મારી પરિવાર સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. પરિવારજનોએ મારો સાથ ન આપ્યો અને માસીની દિકરીનો સાથ આપ્યો હતો. જેથી મને માઠું લાગી ગયું હતું. આથી હું ઘરેથી નીકળી આત્મહત્યા કરવાનું વિચારતી હતી.
ત્યારબાદ,181 અભયમ્ ટીમ દ્વારા પીડિત યુવતીનું કાઉન્સિંગ કરી તેમને આત્મહત્યાના વિચાર ન કરવા સમજાવી ઘરે લઇ ગયા હતાં અને તેની માતાને સોંપી પરિવારજનોને પણ સમજાવ્યાં હતાં. આમ ૧૮૧ મહિલા અભયમ ટીમ દ્વારા યુવતીને હેમખેમ રીતે ઘરે પાછા લાવતા માતા તેમજ મામા-મામી અને પરિવાર દ્વારા 181 ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ