


પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકારના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા સમગ્ર ગુજરાતમાં “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તા. 18 થી 20 ડિસેમ્બર, 2025 દરમિયાન પ્રગતિ મેદાન, પાટણ ખાતે ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે.
પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી તથા ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમણે વિશિષ્ટ કામગીરી કરનાર સ્વ-સહાય જૂથોની મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી અને મેળામાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી. મેળામાં કુલ 100 સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લાની મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, ખાદ્ય પ્રક્રિયા, મિલેટ આધારિત ઉત્પાદનો, હાથવણાટ અને ખાદી એકમો સહિતના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે.
મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આવા મેળાઓ મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સને મજબૂત પ્લેટફોર્મ પૂરો પાડશે. જિલ્લા સ્તરીય મેળાઓ મહિલાઓના સશક્તિકરણ અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી આર્થિક ભાગીદારીમાં વધારો કરશે.
મેળા અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા માહિતી અને જાગૃતિ કાઉન્ટર્સ, પ્રેરણાત્મક ટોક શો, સન્માન સમારોહ, નેટવર્કિંગ, માર્કેટ લિન્કેજ પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, સ્વ-સહાય જૂથોના સંચાલકો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ