

પાટણ, 18 ડિસેમ્બર (હિ.સ.) : અંબાજી ખાતે ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આદ્યશક્તિ અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા 34મી રાજ્ય કક્ષાની શાસ્ત્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં સિદ્ધપુરની ગોકુલ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. શૌર્ય જોષીએ અષ્ટાધ્યાયી કંઠપાઠ વિભાગમાં, મહેતા મિતુલે શુક્લ યજુર્વેદ (અધ્યાય 1 થી 10, સસ્વર) વિભાગમાં અને મહેતા મિહિરે શ્રીમદ ભગવદ્ ગીતા કંઠપાઠ વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. સંયોજક મનોજ ગિરી તથા અન્ય પદાધિકારીઓએ આયોજનને સફળ બનાવ્યું હતું.
સ્પર્ધા બાદ વિજેતા ઋષિકુમારોને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ચેરમેન, ગોકુલ સંસ્કૃત પાઠશાળાના સંસ્થાપક અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે વધુ પ્રયત્નો કરવાની પ્રેરણા આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ