
પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના સ્વદેશી અભિયાન તથા મહિલા સશક્તિકરણના વિઝનને આગળ ધપાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ગુજરાત લાઇવલિહુડ પ્રમોશન કંપની (GLPC), ગાંધીનગર દ્વારા “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિવિધ સરકારી વિભાગોના સહયોગથી નટવરસિંહજી ક્લબ, પોરબંદર ખાતે 19 થી 21 ડિસેમ્બર, 2025 દરમિયાન જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળો” યોજાશે.
રાજ્ય સરકારની આ પહેલ દ્વારા મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા સાથે તેમના પ્રયાસોને યોગ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ‘સશક્ત નારી મેળા’ થકી મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યવસાયિકો દ્વારા પાયાના સ્તરે સર્જાતા પરિવર્તનકારી બદલાવોને પ્રોત્સાહન મળશે.
મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ મેળો મહિલાઓની આર્થિક ભાગીદારીને વેગ આપશે તેમજ રાજ્યભરની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોતરૂપ બનશે.
આ મેળામાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત હસ્તકલા, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ તેમજ વિવિધ કૌશલ્યલક્ષી પ્રવૃત્તિઓનું પ્રદર્શન અને વેચાણ માટે ઉત્તમ અવસર ઉપલબ્ધ કરાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરજનોને આ મેળામાં ઉપસ્થિત રહી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તથા વધુમાં વધુ મહિલાઓ અને મુલાકાતીઓને આ મેળાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya