સુરતમાં રાજલક્ષ્મી બિલ્ડરના કારણે, શિવ રેસીડેન્સીના રહીશોની આંખોમાં બીજા દિવસે પણ આંસુ
- બાળકો-વૃદ્ધો સહિત 400 લોકો ભટકવા મજબૂર, જમવાના પણ ફાફા સુરત,18 ડિસેમ્બર (હિ.સ.) સુરત શહેરના ભીમરાડ અને અલથાણ વિસ્તારમાં બ્રાઈટસ્ટોન પ્રોજેક્ટ’ રાજલક્ષ્મી બિલ્ડરના ખોદકામ દરમ્યાન ગંભીર બેદરકારીને કારણે એક મોટો અકસ્માત ટળ્યો છે, પરંતુ તેની અસર
સુરતમાં રાજલક્ષ્મી બિલ્ડરના કારણે શિવ રેસીડેન્સીના રહીશોની આંખોમાં બીજા દિવસે પણ આંસુ


- બાળકો-વૃદ્ધો સહિત 400 લોકો ભટકવા મજબૂર, જમવાના પણ ફાફા

સુરત,18 ડિસેમ્બર (હિ.સ.) સુરત શહેરના ભીમરાડ અને અલથાણ વિસ્તારમાં બ્રાઈટસ્ટોન પ્રોજેક્ટ’ રાજલક્ષ્મી બિલ્ડરના ખોદકામ દરમ્યાન ગંભીર બેદરકારીને કારણે એક મોટો અકસ્માત ટળ્યો છે, પરંતુ તેની અસર સેંકડો પરિવારોના જીવન પર પડી છે. ભીમરાડ વિસ્તારમાં આવેલ આશીર્વાદ રેસિડન્સી પાસે નવનિર્મિત રાજ લક્ષ્મી ગ્રુપના ‘વિવાન’ બિલ્ડિંગની અંદાજે 150 ફૂટ લાંબી પ્રોટેક્શન વોલ ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાના પગલે સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરીને શિવ રેસિડન્સીના ચાર ટાવર ખાલી કરાવ્યા છે.

જે દીવાલોએ 15 વર્ષ સુધી એક પરિવારને હૂંફ આપી, જે આંગણામાં બાળકો મોટા થયા અને જે મકાન ખરીદવા માટે મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની આખી જિંદગીની મૂડી લગાવી દીધી, તે જ મકાન આજે તેમના માટે ‘જોખમી’ બની ગયા છે.

શિવ રેસિડેન્સીના ચાર ટાવરને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવતા બાળકો-વૃદ્ધો સહિત 400થી વધુ લોકોની હાલત અત્યંત દયનીય બની છે. રહીશો રડતી આંખે પોતાનો કિંમતી સામાન અને ઘરવખરી લઈને બહાર નીકળી રહ્યા છે, જ્યારે પાલિકાના ગાર્ડ્સ દ્વારા બિલ્ડિંગને કડક સુરક્ષા વચ્ચે કોર્ડન કરી દેવામાં આવી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, રાજલક્ષ્મી બિલ્ડર દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા માટે જે હેલ્પલાઈન નંબરો આપવામાં આવ્યા છે, તે નંબરો પર રહીશો સતત ફોન કરી રહ્યા છે, પરંતુ બિલ્ડરના માણસો ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી.

આ બેદરકારીને કારણે અનેક પરિવારો નાના બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા પર અથવા હોટેલમાં આશરો લેવા મજબૂર બન્યા છે.

15 વર્ષથી જે મકાનમાં આશરો લીધો હતો તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની અણી પર છે. નિર્માણધીન પ્રોજેક્ટમાં હજુ પણ પાણીનું લેવલ વધારે હોવાથી બાજુના ટાવરના રહીશોના જીવ અધ્ધર થઈ ગયા છે. સ્થાનિક રહીશ પિયુષભાઈના જણાવ્યા અનુસાર, સોસાયટી માત્ર એક બાજુથી નહીં પણ બંને બાજુથી જોખમમાં છે, કારણ કે બિલ્ડિંગની બીજી તરફ પણ સમાંતર બાંધકામ અને ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે આખું સ્ટ્રક્ચર સંકટમાં મુકાયું છે. રીમઝીમ જૈન જેવા અનેક મધ્યમવર્ગીય લોકો, જેમણે પોતાની જીવનભરની કમાણી આ મકાન પાછળ ખર્ચી નાખી છે, તેઓ આજે બિલ્ડરની લાપરવાહી અને તંત્રની નિષ્ક્રિયતા સામે લાચાર બનીને રડી રહ્યા છે.

આ અંગેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડર દ્વારા ત્રણ લેયરમાં બેઝમેન્ટ બનાવવા માટે સતત અને બેફામ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ખોદકામ દરમિયાન 15 ફૂટ સુધી પાણી આવી ગયા બાદ પણ કામ અટકાવવામાં આવ્યું નહોતું. નવ જેટલી પાઇપ દ્વારા 24 કલાક પાણી બહાર કાઢવામાં આવતું હતું, જેના કારણે આસપાસની જમીન નબળી બની અને અંતે માટી ધસી પડી હતી.

આ કારણથી જ શિવ રેસિડન્સીના પાર્કિંગ વિસ્તારની દિવાલ અને પાર્કિંગ પરનો પતરાનો શેડ ધરાશાયી થયો હતો, જેના LIVE વીડિયો પણ સામે આવ્યો હતો, ત્યારે આ મામલે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે, આ બાબતે બિલ્ડરની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે, જે અંગે અનેક વખત મહાનગરપાલિકામાં ફરિયાદો કરી હતી, પરંતુ સમયસર યોગ્ય પગલાં લેવામાં ન આવતા આ દુર્ઘટના બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande