એએમસીની સાત ઝોનમાં સઘન કાર્યવાહીથી ટ્રાફિકની સમસ્યા હળવી બની
- 1 એપ્રિલ 2025થી 15 ડિસેમ્બર 2025 સુધી ''લારી-ગલ્લા'', બોર્ડ, બેનરો, હોર્ડિંગ્સ દૂર કરાયા - મહિનામાં આડેધડ પાર્ક કરાયેલા 18,488 વાહનો લૉક, 18,175 વાહનોને દંડ કરાયો - 7 ઝોનના 11,457 લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા - 1 કરોડ 10 લાખ 19 હજાર રૂપિયા વ
એએમસીની સાત ઝોનમાં સઘન કાર્યવાહીથી ટ્રાફિકની સમસ્યા હળવી બની


- 1 એપ્રિલ 2025થી 15 ડિસેમ્બર 2025 સુધી 'લારી-ગલ્લા', બોર્ડ, બેનરો, હોર્ડિંગ્સ દૂર કરાયા

- મહિનામાં આડેધડ પાર્ક કરાયેલા 18,488 વાહનો લૉક, 18,175 વાહનોને દંડ કરાયો

- 7 ઝોનના 11,457 લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા

- 1 કરોડ 10 લાખ 19 હજાર રૂપિયા વહીવટી ચાર્જ પેટે વસૂલ કરાયા

અમદાવાદ, 18 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ શહેરમાં લાંબા સમયથી ચાલતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાતેય ઝોનમાં વ્યાપક અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1 એપ્રિલ 2025થી 15 ડિસેમ્બર 2025 દરમિયાન ચલાવાયેલી આ દબાણ વિરોધી ઝૂંબેશના પરિણામે જાહેર માર્ગો ખુલ્લા થયા છે અને વાહન વ્યવહાર વધુ સરળ બન્યો છે.

એએમસી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી લારી-ગલ્લા, પતરા-શેડ, બોર્ડ, બેનરો અને હોર્ડિંગ્સ જેવા અતિક્રમણ દૂર કરવામાં આવ્યા છે. આ સાથે જાહેર રસ્તાઓ પર આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 9 મહિનામાં કુલ 18,488 વાહનોને લૉક કરવામાં આવ્યા છે અને 18,175 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે, જેના કારણે ગેરકાયદેસર પાર્કિંગ પર નિયંત્રણ આવ્યું છે.

દબાણ વિરોધી કામગીરીના ભાગરૂપે એએમસી દ્વારા સાતેય ઝોનમાં કુલ 11,457 લારી-ગલ્લાના દબાણ દૂર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત 4,249 શેડ, 90,503 અન્ય સાધન સામગ્રીના દબાણ તેમજ 39,361 બોર્ડ, બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરાયા છે. આ સમગ્ર કાર્યવાહીથી રસ્તાઓ પહોળા બન્યા છે અને વાહનચાલકોને અવરજવરમાં સરળતા મળી છે. દબાણ દૂર કરવાની આ કાર્યવાહી દરમિયાન કુલ 1 કરોડ 10 લાખ 19 હજાર રૂપિયા વહીવટી ચાર્જ પેટે વસૂલ કરવામાં આવ્યા છે.

પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલથી સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તા અને અન્ય મુખ્ય માર્ગો પર 1,532 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા, જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક પ્રવાહ વધુ સુચારુ બન્યો છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં હાઈકોર્ટ વિસ્તારથી લઈ વૈષ્ણોદેવી સર્કલ સુધીના માર્ગો પર 1,815 લારી-ગલ્લા દૂર થતા મુખ્ય રોડ પરની ભીડ ઘટી છે.

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઈવેના મહત્વના રૂટ પરથી 1,156 લારી-ગલ્લા દૂર કરવામાં આવતા હાઈવે પર વાહન વ્યવહાર વધુ ઝડપી બન્યો છે. પૂર્વ ઝોનમાં સૌથી વધુ 1,956 લારી-ગલ્લાના દબાણ દૂર કરવામાં આવ્યા છે, જેના કારણે ઠક્કરબાપાનગર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળી છે.

મધ્ય ઝોનમાં ભદ્ર, ત્રણ દરવાજા, કાલુપુર રેલવે સ્ટેશન અને ચોખા બજાર જેવા વ્યસ્ત વિસ્તારોમાં 1,888 લારી-ગલ્લા દૂર કરાતા પગપાળા ચાલકો અને વાહનચાલકો બંને માટે રસ્તા ખુલ્લા બન્યા છે. ઉત્તર ઝોનમાં 1,724 અને દક્ષિણ ઝોનમાં 1,386 લારી-ગલ્લાના દબાણ દૂર કરવામાં આવતા સ્થાનિક માર્ગો પર થતો રોજિંદો ટ્રાફિક દબાણ ઘટ્યો છે.

એએમસીની આ સુવ્યવસ્થિત કાર્યવાહીથી શહેરના મુખ્ય તથા આંતરિક માર્ગો પર ટ્રાફિકની ગતિ સુધરી છે, ગેરકાયદેસર પાર્કિંગ અને અતિક્રમણ પર નિયંત્રણ આવ્યું છે અને નાગરિકોને દૈનિક અવરજવરમાં રાહત મળી છે. સાતેય ઝોનમાં એકસાથે અમલમાં મૂકાયેલી આ કાર્યવાહી અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande