



અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : સાવરકુંડલા શહેરમાં વિમુખ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલાના સૌજન્યથી ગુજરાતી સાહિત્ય પરિષદનું 35મું જ્ઞાન સત્ર ભવ્ય રીતે પ્રારંભ પામ્યું હતું. આ પાવન અવસર પર મોરારીબાપુ તથા ભક્તિબાપુની ઉપસ્થિતિ સાથે અગ્રગણ્ય સાહિત્યકારોના વરદ હસ્તે જ્ઞાન સત્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સાહિત્યપ્રેમી જનસમુદાય, વિદ્વાનો, લેખકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્ઞાન સત્રના પ્રારંભ પ્રસંગે મોરારીબાપુએ ગુજરાતી ભાષા અને સાહિત્યના સંવર્ધન માટે સતત પ્રયત્નોની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સાહિત્ય માનવીય સંવેદનાઓ, સંસ્કૃતિ અને મૂલ્યોનું પ્રતિબિંબ છે.
સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ પોતાના પ્રેરક પ્રવચનમાં ગુજરાતી ભાષાની સમૃદ્ધ પરંપરા, તેના ઇતિહાસ અને ભાવિ પેઢીને ભાષા સાથે જોડવાની જરૂરિયાત પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. તેમણે યુવાનોને વાંચન, લેખન અને વિચારવિમર્શ તરફ પ્રોત્સાહિત કર્યા હતા. આ જ્ઞાન સત્ર દરમિયાન વિવિધ સાહિત્યિક વિષયો પર સંવાદ, ચર્ચા અને વિચાર વિનિમય થવાનો છે, જેનાથી ગુજરાતી સાહિત્યને નવી દિશા અને ઉર્જા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai