
જામનગર, 19 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર નજીક ધુંવાવ પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે બાઇકને ઠોકરે લેતાં ધડાકાભેર અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર પરપ્રાંતિય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું છે. જ્યારે પાછળ બેઠેલા એક બાળક અને એક યુવાનને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગત અનુસાર, જામનગર નજીકના ધુંવાવ પાસે વહેલી સવારે પુરપાટ વેગે આવી રહેલી જી.જે. 10 ડી.જે.8441 નંબરની ફોચ્ર્યુન કારના ચાલકે સામેથી આવી રહેલા એક બાઇકને ઠોકરે લેતાં અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર મનુ ડાવર નામના મૂળ મધ્યપ્રદેશ અને હાલ જામનગર રહેતા યુવાનનું ગંભીર ઇજા થવાથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેની સાથે જ બાઈક પર બેઠેલા એક 12 વર્ષના બાળક તથા અન્ય એક યુવાન કે જે બંનેને ગંભીર ઈજા થઈ હોવાથી બંને માર્ગ પર ઢળી પડ્યા હતા.
આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એન.એમ.શેખ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને 108 નંબરની એમ્બ્યુલન્સની ટીમની મદદ લઈ સૌપ્રથમ એક બાળક સહિતના બે ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યારે કારના ચાલક હારુન કાંટેલિયા કે જેની અટકાયત કરી લઇ પોલીસ મથકમાં બેસાડી દીધો, અને તેની કાર કબજે કરી લીધી છે. ઉપરાંત મૃતક યુવાનનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt