સાવરકુંડલાના ભાવેશ ઠુમર બન્યા ‘ફેમિલી ફાર્મર’ – પ્રાકૃતિક ખેતીથી ઘઉંનું સીધું ઘરઆંગણે વેચાણ
અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતા ભાવેશભાઈ ઠુમર આજના સમયના એવા ખેડૂત છે, જેમણે પરંપરાગત ખેતીની સરહદ પાર કરી હવે પોતાને “ફેમિલી ફાર્મર” તરીકે ઓળખ આપેલી છે. ખેતીને માત્ર ઉત્પાદન સુધી મર્યાદિત ન રાખીને તેમણે વિશ્વા
સાવરકુંડલાના ભાવેશભાઈ ઠુમર બન્યા ‘ફેમિલી ફાર્મર’ – પ્રાકૃતિક ખેતીથી ઘઉંનું સીધું ઘરઆંગણે વેચાણ


અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતા ભાવેશભાઈ ઠુમર આજના સમયના એવા ખેડૂત છે, જેમણે પરંપરાગત ખેતીની સરહદ પાર કરી હવે પોતાને “ફેમિલી ફાર્મર” તરીકે ઓળખ આપેલી છે. ખેતીને માત્ર ઉત્પાદન સુધી મર્યાદિત ન રાખીને તેમણે વિશ્વાસ, ગુણવત્તા અને નિયમિત ગ્રાહક આધાર પર આધારિત એક અનોખું મોડેલ ઉભું કર્યું છે.

ભાવેશભાઈ ઠુમર જણાવે છે કે તેઓ સાવરકુંડલામાં રહે છે, ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ તેમની ઉંમર 45 વર્ષ છે. છેલ્લા સાત વર્ષથી તેઓ સતત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. કપાસ બાદ શિયાળુ પાક તરીકે તેઓ ઘઉંનું વાવેતર કરે છે. હાલ તેઓ 9 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખેતીનો ખર્ચ ઘણો ઓછો થયો છે. ડ્રિપ પદ્ધતિથી પિયત કરવામાં આવે છે અને જીવામૃત, ઘનજીવામૃત જેવા ઓર્ગેનિક ઇનપુટનો ઉપયોગ થાય છે. કેમિકલ ખાતર કે દવાઓનો ઉપયોગ ન હોવાના કારણે જમીનની ઉર્વરતા જળવાઈ રહી છે અને પાકની ગુણવત્તા પણ વધેલી છે.

ભાવેશભાઈની ખેતીનું ખાસ પાસું એ છે કે તેઓ પોતાનો ઘઉં ખુલ્લા બજારમાં વેચતા નથી. છેલ્લા સાત વર્ષથી તેઓ ફક્ત પોતાના પસંદગીના, નિયમિત અને વિશ્વાસુ ગ્રાહકોને જ ઘઉં આપે છે. વાવેતરના સમયથી જ ઘઉં ખરીદવા માટે તેમને ઓર્ડર મળવા લાગે છે. તેથી ક્યાંય વેચાણ માટે જવું પડતું નથી અને દલાલોની જરૂર પણ રહેતી નથી.

પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલ ઘઉંની મીઠાશ અને સ્વાદ અલગ જ હોય છે, એવું તેમના ગ્રાહકો કહે છે. આ કારણથી લોકો ઊંચો ભાવ ચૂકવવા પણ તૈયાર રહે છે. ભાવેશભાઈ જણાવે છે કે સાફ કર્યા વગરના ઘઉંનો ભાવ રૂપિયા 1000 પ્રતિ 20 કિલો મળે છે, જ્યારે ક્લીન કરેલ ઘઉંનો ભાવ રૂપિયા 1100 પ્રતિ 20 કિલો મળે છે. આ ઘઉં ફક્ત રેગ્યુલર ગ્રાહકોને જ આપવામાં આવે છે.

ઉત્પાદનની વાત કરીએ તો 1 વીઘામાં અંદાજે 30 મણ જેટલું ઉત્પાદન મળે છે. ઓર્ગેનિક અને પ્રાકૃતિક પદ્ધતિ હોવાના કારણે ઉત્પાદન ખર્ચ બહુ ઓછો રહે છે. એક સિઝનમાં ઘઉંમાંથી તમામ ખર્ચ બાદ કરતાં અંદાજે 2.50 લાખ રૂપિયાનો નફો થતો હોવાનું ભાવેશભાઈ જણાવે છે.

ભાવેશભાઈ ઠુમરનું માનવું છે કે જો ખેડૂત ગુણવત્તા પર ધ્યાન આપે, ગ્રાહક સાથે સીધો સંપર્ક રાખે અને પ્રાકૃતિક ખેતી અપનાવે તો ખેતી ફરીથી લાભદાયક બની શકે છે. આજે તેઓ માત્ર ખેડૂત નથી, પરંતુ પરિવાર અને ગ્રાહક સાથે જોડાયેલા એક સફળ “ફેમિલી ફાર્મર” બની ગયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande