
ગાંધીનગર, 19 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યમાં ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ માટે સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વે તથા સી.આઈ.ડી. ક્રાઈમ મહિલા સેલ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 901 ગુમ વ્યક્તિઓને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.
સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેના ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવ તથા સી.આઈ.ડી. ક્રાઈમ મહિલા સેલના એડીજીપી અજય કુમાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ઝુંબેશ કુલ 30 દિવસ માટે બે તબક્કામાં રાજ્યભરમાં હાથ ધરાઈ હતી.
આ ઝુંબેશ રાજ્યમાં ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતા દાખવીને આ કામગીરી કરવામાં આવી હતી. રાજ્યના તમામ મહાનગરના કમિશ્નરશ્રીઓ તથા જિલ્લા પોલીસ અધિક્ષકઓના તાબાના પોલીસ સ્ટેશનોમાં તેમજ સી.આઈ.ડી. ક્રાઈમ મીસીંગ સેલમાં વિશિષ્ટ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોને સી.આઈ.ડી. (ક્રાઈમ) દ્વારા સતત માર્ગદર્શન અને દૈનિક સૂચનાઓ પૂરી પાડવામાં આવી હતી.
બે તબક્કામાં યોજાયેલી આ ખાસ ઝુંબેશના ૩૦ દિવસના સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી ૬૧૪ મહિલાઓ અને ૨૮૭ પુરુષો મળીને કુલ ૯૦૧ વ્યક્તિઓની સફળતાપૂર્વક શોધખોળ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસની સી.આઈ.ડી. (ક્રાઈમ) શાખા દ્વારા ગુમ બાળકો અને વ્યક્તિઓની નિયમિત શોધખોળ હેતુસર સમયાંતરે વિશેષ અભિયાનોનું આયોજન કરવામાં આવે છે. શોધાયેલા બાળકો/વ્યક્તિઓને તેમના પરિવારો સાથે પુનઃસ્થાપિત કરવાની કાર્યપદ્ધતિ પણ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ