
મહેસાણા, 19 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના આખજ ગામ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પશુપાલકોને આધુનિક પશુપાલન પદ્ધતિઓ, પશુ આરોગ્ય સંભાળ, પોષણ વ્યવસ્થાપન તેમજ સરકારની વિવિધ પશુપાલન યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિર દરમિયાન પશુપાલન વિભાગના અધિકારીઓ અને નિષ્ણાતોએ પશુપાલકોને દૂધ ઉત્પાદન વધારવા માટેના ઉપાયો, રોગચાળા નિવારણ, રસીકરણ, કૃત્રિમ બીજદાન અને ચારો વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી. સાથે જ પશુપાલકોને સરકારની સહાય યોજનાઓનો યોગ્ય લાભ કેવી રીતે લેવો તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થી પશુપાલકોને કુલ રૂ. 2 લાખ 58 હજારના ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઓર્ડરથી પશુપાલકોને આર્થિક સહાય મળશે તેમજ તેઓ પોતાના વ્યવસાયને વધુ મજબૂત બનાવી શકશે. લાભાર્થીઓએ સરકાર અને પશુપાલન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. શિબિરમાં આસપાસના ગામોના મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે આવી શિક્ષણ શિબિરોના આયોજનથી પશુપાલકોમાં જાગૃતિ વધે છે અને પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બને છે. અંતે પશુપાલકોને નવી ટેકનોલોજી અપનાવી પશુપાલન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR