
મહેસાણા, 19 ડિસેમ્બર (હિ.સ.) : ઘુમાસણ ગામ ખાતે આજરોજ તાલુકા હેલ્થ ઓફિસર કડી ડો. બ્રિજેશ પ્રજાપતિ દ્વારા હાઈરિસ્ક ANC (Ante Natal Care) ની વિશેષ વિઝીટ લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગર્ભવતી મહિલાઓના આરોગ્યની યોગ્ય દેખરેખ રાખવાનો અને સંભવિત જોખમોને સમયસર ઓળખી સારવાર સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.
વિઝીટ દરમિયાન ડો. પ્રજાપતિએ હાઈરિસ્ક ગર્ભવતી મહિલાઓની વ્યક્તિગત તપાસ કરી અને તેમની આરોગ્ય સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. બર્થ માઈક્રોપ્લાનિંગ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી, જેમાં પ્રસૂતિ પહેલા અને પછી લેવાયેલી તકેદારીઓ, હોસ્પિટલ પસંદગી, ઇમરજન્સી વ્યવસ્થા અને સમયસર સારવારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગર્ભાવસ્થા દરમિયાન લેવાતી જરૂરી દવાઓ, આયર્ન-કેલ્શિયમ, ફોલિક એસિડ તથા અન્ય પૂરક દવાઓના યોગ્ય ઉપયોગ અંગે પણ સમજ આપવામાં આવી હતી. મહિલાઓને પોષણયુક્ત આહાર, નિયમિત તપાસ, રસીકરણ અને આરામના મહત્વ વિશે આરોગ્ય વિષયક માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગામની ગર્ભવતી મહિલાઓ સાથે સતત સંપર્કમાં રહી સમયસર સારવાર અને માર્ગદર્શન આપવાની જવાબદારી નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રકારની વિઝીટથી માતા અને બાળકના આરોગ્યમાં સુધારો લાવવાનું મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR