
અમરેલી,, 19 ડિસેમ્બર (હિ.સ.) ખાંભા તાલુકાના ગીર કાંઠે આવેલ ભાણીયા ગામે રૂ. ૫૦ લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. વર્ષોથી ગામમાં પાકા રસ્તા અને 24 કલાક વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ સંબંધિત પ્રશ્નો હલ થયા બાદ હવે ગામના સર્વાંગી વિકાસ માટે વધુ મહત્વપૂર્ણ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ વિકાસ કાર્યો અંતર્ગત ગ્રામ પંચાયત મકાનનું નિર્માણ, સ્મશાન તરફ જવા માટે કોઝવે, સ્મશાન છાપરી, ગામની આંતરિક શેરીઓમાં બ્લોક રોડ તેમજ જરૂરિયાતમંદો માટે રૈન બસેરા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. આ તમામ યોજનાઓથી ગામમાં સુવિધા, સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકારની વિકાસલક્ષી નીતિઓના કારણે આજે અંતરિયાળ અને ગીર કાંઠાના ગામોમાં પણ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે. ભાણીયા ગામે શરૂ થયેલા આ વિકાસકાર્યો ગ્રામજનોના દૈનિક જીવનને વધુ સરળ અને સુખાકારી બનાવશે.
ગ્રામજનોએ આ અવસર પર આનંદ વ્યક્ત કરી સરકાર, ધારાસભ્ય તથા ગ્રામ પંચાયતનો આભાર માન્યો હતો. સાથે જ ગામના વિકાસ માટે ભવિષ્યમાં પણ આવા વધુ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai