
જૂનાગઢ, 19 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢમાં આજે તા.૧૯મી ડિસેમ્બરે સ્થાનિક ઉત્પાદનોના ૧૦૦ સ્ટોલ સાથેના સશક્ત નારી મેળાને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ખુલ્લો મુકશે.
શહેરમાં સરદાર બાગ પાસે ઝાંસીની રાણી સર્કલ સામેની હવેલી વાડી ખાતે સ્વદેશી અભિયાન અંતર્ગત આયોજિત આ ત્રણ દિવસીય સશક્ત નારી મેળાનો સવારે ૧૦ કલાકે પ્રારંભ થશે.
મહિલાઓની ઉદ્યમશીલતા અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટેના આ મેળામાં જૂનાગઢવાસીઓને પંચગવ્ય, હાથસાળ, હસ્તકલા, ગૃહ સુશોભન, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો, રેઝિંગ આર્ટ, બેકરી પ્રોડક્ટ સહિતની અવનવી ખજાનારૂપ વસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદી કરવાની તક મળી રહેશે. આ મેળામાં લોકો ૧૯મી ડિસેમ્બરથી તા.૨૧ ડિસેમ્બર સુધી સવારે ૧૦ કલાકે થી સાંજના ૧૦ કલાક દરમિયાન ખરીદી કરી શકશે.
આ પ્રસંગે મંત્રી સશક્ત નારી મેળાના સ્ટોલ્સની મુલાકાત લઈ મહિલાઓને પ્રોત્સાહિત કરશે ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રગતિશીલ મહિલાઓનું વિશેષ સન્માન પણ કરશે.
આ મેળામાં કૃષિ, સહકાર, કુટીર, વન વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે નિદર્શન સહિતનું જરૂરી આયોજન પણ કરવામાં આવ્યું છે.
ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત આ મેળાના માધ્યમથી મહિલા આગેવાની હેઠળના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લા સ્તરીય પ્લેટફોર્મ મળવાની સાથે સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા, સ્વ-સહાય જૂથોના ઉત્પાદનો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળશે.
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા દ્વારા આ સશક્ત નારી મેળા માટે આવશ્યક વ્યવસ્થાઓનું સંકલન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ