
જૂનાગઢ, 19 ડિસેમ્બર (હિ.સ.) : ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 અન્વયે જુનાગઢ જિલ્લાના કુલ ૧૩,૦૦,૩૪૪ મતદારોમાંથી ૧૧૪૯૩૯૫ મતદારોના ગણતરી ફોર્મ ડિજિટાઇઝ થયા છે તેમજ ૧૫૦૯૪૯ મતદારોના ફોર્મ (મૃત્યુ, ગેરહાજર, કાયમી સ્થળાંતર, ડુપ્લીકેટ કે અન્ય કારણોસર મળી શકેલ નથી તેવા અનકલેકટેબલ ફોર્મ સાથે જુનાગઢ જિલ્લાની એકંદરે ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. આગામી તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ થનારી ડ્રાફ્ટ યાદીમાં જે લોકોના ગણતરી ફોર્મ મળી ગયા છે, તેઓનો આ યાદીમાં સમાવેશ થશે. આ યાદી તમામ મતદાન મથકો, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, મહાનગરપાલિકા, જુનાગઢ તેમજ કલેકટર કચેરી, જુનાગઢ ખાતે જોઇ શકાશે.
જે મતદારોના ગણતરી ફોર્મ મળેલ નથી તેવા તમામ મતદારોના નામ ડ્રાફટ મતદારયાદીમાંથી નિકળી જશે. પરંતુ આવા મતદારોના નામ અલગ A/S/D યાદી એટલે કે ગેરહાજર, સ્થળાંતર અને મૃત્યુની યાદીમાં દર્શાવેલા હશે. જે પણ ઉપરોકત દર્શાવેલ સ્થળો પર જોઇ શકાશે. આ સિવાય બંને યાદી મુખ્ય નિવાર્ચન અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in પર તથા જુનાગઢ જિલ્લાની વેબસાઈટ Junagadh.nic.in પર જોઇ શકાશે.
જો આપનું નામ તા.૧૯.૧૨.૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ થયેલ ડ્રાફ્ટ મતદારયાદીમાં ના હોય તો ? આવા કિસ્સામાં મતદારે સૌપ્રથમ મતદાન મથકની A/S/D યાદીમાં નામ છે કે નહી તે જોવાનું રહેશે.જો A/S/D યાદીમાં મતદારનું નામ હોય તેવા કિસ્સામાં મતદાર જે સ્થળે મતદાન કરવા ઇચ્છતાં હોય તે મતદાન મથકના બીએલઓ પાસેથી ફોર્મ નં.૬ અને ઘોષણાપત્ર મેળવી જરૂરી પુરાવાઓ સાથે આ ફોર્મ બીએલઓને જમાં કરાવવાનું રહેશે.
શું ગણતરી ફોર્મ જમા કરાવ્યુ છે તો નોટિસ મળી શકે ? ગણતરી ફોર્મ જમા કરાવ્યુ હશે તે તમામ લોકોના નામનો ડ્રાફટ મતદારયાદીમાં સમાવેશ થશે. પરંતુ જો ગણતરી ફોર્મમાં SIR ની 2002 ની મતદારયાદીમાં મતદારનું પોતાનું અથવા પરીવારજનનું (માતા-પિતા, દાદા-દાદી)નામ ન હોય અથવા ફોર્મમાં ભરેલ વિગતો ડેટાબેઝ સાથે મેચ થતી ન હોય તેવા કિસ્સામાં મતદારને નોટિસ મળશે. જુનાગઢ જિલ્લામાં મેપીંગ થયેલ ન હોય તેવા ૭૦૪૪૫ મતદારો છે. જેઓને નોટિસ મળ્યે અથવા સ્વેચ્છાએ બીએલઓને પુરાવા રજુ કરવાના રહેશે. આ નોટિસ તબકકાનો સમયગાળો તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૦/૨/૨૦૨૬ સુધી નોટિસનો તબકકો ચાલુ રહેશે. જો મતદારને નોટિસ મળે તો શું કરવાનું ? જયારે મતદારને નોટિસ મળે ત્યારે મતદારે નોટિસમાં દર્શાવેલ સ્થળે અને આપેલ તારીખે ગણતરી ફોર્મના પાછળના ભાગમાં દર્શાવેલ કુલ-૧૩ પુરાવાઓ પૈકી લાગુ પડતી કેટેગરી પ્રમાણે પુરાવાઓ સાથે હાજર રહેવાનું રહેશે.
જો મતદાર નોટિસની તારીખે હાજર રહી શકે તેમ ન હોય તો ? જો મતદાર રૂબરૂ સુનવણી માટે હાજર રહી શકે તેમ ન હોય તો તે બીએલઓને પણ સ્વપ્રમાણીત પુરાવાઓ જમા કરાવી શકશે. પરંતુ જો મતદાર સુનવણીના દિવસે હાજર ન રહે અને પુરાવાઓ પણ જમા ન કરાવે તેવા કિસ્સામાં તેમનું નામ તા.૧૭/૨/૨૦૨૬ ના રોજ પ્રસિધ્ધ થનાર આખરી મતદારયાદીમાંથી નીકળી જશે.
જો મતદાર પાસે ૧૩-પુરાવાઓ પૈકી એક પણ પુરાવો ના હોય તો ? આવા કિસ્સામાં મતદાર પોતે ભારતનો નાગરીક છે તે પુરવાર કરવા માટે જરૂરી કોઇપણ પુરાવા રજુ કરી શકે છે. દા.ત. મતદારનું વર્ષ-૨૦૦૨ પહેલાનું ચૂંટણી કાર્ડ, જુના ૭-૧૨ ના ઉતારા વગેરે રજૂ કરી શકશે એમ જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ