બગસરા ખાતે ટેકાના ભાવે ચાલતા સીંગ ખરીદી કેન્દ્રની સાંસદ ભરત સુતારીયાની મુલાકાત
અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : સાંસદ ભરત સુતારીયાએ આજરોજ બગસરા ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે ચાલતા સીંગ (મૂંગફળી) ખરીદી કેન્દ્રની મુલાકાત લઈ સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ખરીદી કેન્દ્રમાં ચાલી રહેલી પ્રક્રિયા, ખેડૂતોની
બગસરા ખાતે ટેકાના ભાવે ચાલતા સીંગ ખરીદી કેન્દ્રની સાંસદ ભરત સુતારીયાની મુલાકાત


અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : સાંસદ ભરત સુતારીયાએ આજરોજ બગસરા ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે ચાલતા સીંગ (મૂંગફળી) ખરીદી કેન્દ્રની મુલાકાત લઈ સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ખરીદી કેન્દ્રમાં ચાલી રહેલી પ્રક્રિયા, ખેડૂતોની સુવિધાઓ અને વ્યવસ્થાપન અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

સાંસદએ જણાવ્યું કે ખેડૂતોને તેમની મહેનતની ઉપજનો યોગ્ય ભાવ સમયસર મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પારદર્શક, સુવ્યવસ્થિત અને ઝડપી રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, તોળવાટા યોગ્ય રીતે થાય, ચુકવણી સમયસર મળે અને દલાલોની કોઈ પણ પ્રકારની ભૂમિકા ન રહે તે બાબતે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ખરીદી કેન્દ્ર પર હાજર અધિકારીઓ અને સંચાલકોને ખેડૂતો સાથે સહકારપૂર્વક વર્તન રાખવા તેમજ સરકારના નિયમો અનુસાર કામગીરી કરવા સૂચન કરવામાં આવ્યું હતું. સાથે જ ખેડૂતોને શેડ, પાણી, બેસવાની વ્યવસ્થા સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકાયો હતો.

સ્થળ પર હાજર ખેડૂતોને સાંસદએ મળીને તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા હતા. ખેડૂતો દ્વારા પણ ટેકાના ભાવે ખરીદી થવાથી લાભ મળી રહ્યો હોવાનું જણાવાયું હતું. અંતે સાંસદ ભરત સુતારીયાએ સરકારની ખેડૂતલક્ષી નીતિઓના અમલ માટે સૌને જવાબદારીપૂર્વક કામગીરી કરવા અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande