
અમરેલી ,19 ડિસેમ્બર (હિ.સ.) : આજરોજ વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલ આઈકોનિક રોડની સ્થળ મુલાકાત લીધી હતી. શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ ગણાતા આ આઈકોનિક રોડ પ્રોજેક્ટની પ્રગતિ અંગે મંત્રીએ અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન મહેસાણા મહાનગરપાલિકાના અધિકારીઓ, ઇજનેરો તેમજ સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ રોડની ગુણવત્તા, ડિઝાઇન, હરિયાળી, ડ્રેનેજ વ્યવસ્થા તથા પર્યાવરણને અનુકૂળ આયોજન અંગે વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આધુનિક શહેર વિકાસ સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે અને આઈકોનિક રોડ એ બંને બાબતોનું ઉત્તમ ઉદાહરણ બનશે.
મંત્રીએ રોડની આસપાસ વધુ વૃક્ષારોપણ, યોગ્ય લાઈટિંગ, પાદચારી માટે સુરક્ષિત માર્ગ અને સ્વચ્છતાની વ્યવસ્થા પર ભાર મૂક્યો હતો. સાથે જ કામની ગતિ જાળવીને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આઈકોનિક રોડ પૂર્ણ થયા બાદ મહેસાણા શહેરના ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે તેમજ શહેરને એક નવી ઓળખ મળશે, જે નાગરિકોની સુવિધા અને શહેરના સૌંદર્યમાં વધારો કરશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR