
પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.)નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાહત મળતા પાટણ જિલ્લા કોંગ્રેસે, ભાજપ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરો લીલીવાડી ખાતે ભેગા થઈ રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યા હતા.
પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી તથા “ભાજપ હાય હાય”ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે, ભાજપે બંને નેતાઓને ખોટી રીતે કેસમાં ફસાવ્યા હતા, પરંતુ અદાલતમાં ક્લીન ચીટ મળતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો.
ભાજપ કાર્યાલય પાસે પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું. કાર્યકરો દ્વારા કાર્યાલયમાં પ્રવેશનો પ્રયાસ થતા પોલીસ સાથે ઝપાઝપી થઈ, બાદમાં પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈએ જણાવ્યું કે, ભાજપ સરકારે EDનો દુરુપયોગ કરી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નામદાર કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કર્યા છે. તેમણે ચેતવણી આપી કે ભવિષ્યમાં કોંગ્રેસના કોઈ નેતાને નિશાન બનાવાશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ