


પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં નવેમ્બરમાસની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી તા. 31 ડિસેમ્બર, મકર સંક્રાંતિ સહિતના તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત તહેવારો દરમિયાન શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ ઓછા બને તે માટે અસરકારક પાસા તેમજ તડીપાર જેવા અટકાયતી પગલાં લેવા તેમજ હાલમાં બનતા સાયબર ફ્રોડના ગુનામાં ઓપરેશન મ્યુલ હન્ટ અન્વયે વધુમાં વધુ મ્યુલ ખાતાઓ શોધી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તથા તહેવાર સબબ નાઈટ કોમબિંગ, પેટ્રોલિંગ, હોટેલ અને ઢાબાઓમાં ચેકીંગ હાથ ધરવા, ગ્રામ્ય વિસ્તારોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, ચાલુ માસ દરમિયાન નાસ્તા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા, અસામાજિક તત્વોની પ્રવૃતિઓ પર વોચ રાખવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ નવેમ્બર માસમાં ગંભીર ગુનાઓ ડિટેકટ કરવા, એન.ડી. પી.એસ.ના કેસ શોધવા તેમજ સાઈબર ફ્રોડમાં ગયેલા રૂપિયા અરજદારને પરત કરાવવા જેવી સરાહનીય કામગીરી કરનાર અધિકારીઓને પ્રોત્સાહન મળે તે માટે તેઓની શ્રેષ્ઠ કામગીરી બદલ સાઈબર ક્રાઈમ પોલીસ મથકના પી.આઈ. એસ.આર.ચૌધરી, અને લોકરક્ષક હરેશ ચાવડાને 29 જેટલા અરજદારોને તેમની ગુમાવેલી કુલ 7.68 લાખ જેટલી રકમ પરત કરવા, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ગુનામાં 7 વર્ષથી નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડવા માટે એલ.સી.બી.એ.એસ.આઈ.મુકેશ માવદીયા તથા ઉપેન્દ્રસિંહ જાડેજાને, કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના ગુનામાં 7 વર્ષથી નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડવા માટે એલ.સી.બી. એ.એસ.આઈ. રાજેન્દ્ર જોશી તથા કોન્સ. અજયભાઈ ચૌહાણ, કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એન.ડી.પી.એસ.નો ગુનો શોધવા માટે એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. રવીન્દ્રભાઈ ચાઉં, રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસ્તા-ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડવા માટે પેરોલ ફર્લો સ્કોર્ડના હેડ કોન્સ. પિયુષભાઈ સિસોદીયાને તેમજ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ભરતભાઈ ચાંડપાને શંકાના આધારે ઈસમને રોકી ચોરીની બે મોટરસાયકલ ઝડપી પાડવા બાદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ક્રાઈમ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય સુરજિત મહેડુ, પોરબંદર શહેર તથા મુખ્ય મથક નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya