

- સશક્ત નારી મેળાના માધ્યમથી પોતાના ગામની વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર બની રહેલી બહેનો દેશને વિકસિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે : મંત્રી ઈશ્વરસિંહ પટેલ
- આ ત્રિ-દિવસીય મેળામાં 50 જેટલા સ્ટોલના માધ્યમથી સ્વસહાય જૂથની બહેનો હાથ બનાવટની વિવિધ વસ્તુઓનું વેચાણ કરશે
રાજપીપલા,19 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા “સશક્ત નારી મેળા” અંતર્ગત એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે સામે આવેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ગુજરાત સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, સ્વદેશી, હાથ બનાવટ અને દેશી ખોરાકની વાનગીઓ દ્વારા પોતાના ગામની વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર બની રહેલી બહેનો દેશને વિકસિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મહિલાઓ સક્રિય ભૂમિકા ભજવી રહી છે.
જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ જણાવ્યું હતું કે લખપતિ દીદી, ડ્રોન દીદી અને સ્વ-સહાય જૂથો દ્વારા આયોજિત આવા મેળાઓ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવે છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રયાસોથી વડાપ્રધાનનું વિકસિત ભારત–2047નું સ્વપ્ન સાકાર થશે.
નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના બહેનો આજે માત્ર ઘરકામ સુધી સીમિત નથી, પરંતુ લખપતિ દીદી અને ડ્રોન દીદી બની આત્મનિર્ભરતાની નવી ઊંચાઈઓ સર કરી રહી છે. આદિવાસી સમાજની બહેનો મિલેટ્સ, લાલ ચોખા, લાલ જુવાર, કોદરી જેવા પરંપરાગત અન્ન દ્વારા “લોકલ ફોર વોકલ”ને પ્રોત્સાહન આપી રહી છે.
નર્મદા જિલ્લામાં હાલ અંદાજે 5469 સ્વ-સહાય જૂથો, 11750 લખપતિ દીદી અને 3 ડ્રોન દીદી કાર્યરત છે. “સશક્ત નારી મેળા” અંતર્ગત હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી, વોકલ ફોર લોકલ તથા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના હેતુ સાથે મહિલાઓ સ્વ-સહાય જૂથો, સખી મંડળ અને ડ્રોન દીદી યોજનાઓ મારફતે આત્મનિર્ભર બની રહી છે.
મેળામાં વિવિધ વિભાગોના સહયોગથી કુલ 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.નર્મદા જિલ્લાના છ તાલુકાની બહેનો દ્વારા સ્વ-સહાય જૂથો મારફતે બનાવેલ હસ્તકલા ઉત્પાદનો, ઘરગથ્થુ વાનગીઓ તેમજ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ઉગાડેલ પ્રાકૃતિક શાકભાજી પ્રદર્શિત અને વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ