
મહેસાણા, 19 ડિસેમ્બર (હિ.સ.) : આજે મહેસાણા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર સ્ટેડિયમ, ઓએનજીસી પલાવાસણા ખાતે ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ, મહેસાણા દ્વારા મનોદિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓ માટે આયોજિત સ્પે. ખેલ મહાકુંભમાં હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો. આ કાર્યક્રમમાં મંત્રી પ્રવીણ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પે. ખેલ મહાકુંભ દરમિયાન મનો દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓએ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મેદાન પર તેમની રમતગમતની પ્રતિભા, અડગ આત્મવિશ્વાસ અને જીત માટેનો ઉત્સાહ જોઈ સૌ કોઈ પ્રભાવિત બન્યા હતા. ભાગ લેનાર દરેક બાળક પોતાની અંદરની શક્તિ અને ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કરતું જોવા મળ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો મનો દિવ્યાંગ બાળકોને સમાજની મુખ્ય ધારા સાથે જોડવા અને તેમની અંદરની પ્રતિભાને બહાર લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રમતગમત દ્વારા તેઓમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને ટીમભાવના વિકસે છે.
મંત્રી પ્રવીણ માળીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આ બાળકો માત્ર રમતમાં જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રે અદમ્ય સાહસ અને ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે આયોજકોનો આભાર વ્યક્ત કરી આવા પ્રેરણાદાયક કાર્યક્રમો સતત આયોજિત થવા જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR