
પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના ગુનામાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ દેશના વિવિધ રાજ્યોમાં થયેલી છેતરપિંડીના નાણાં પોતાના બેંક ખાતામાં લઈ કમિશનના લાલચે ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું છે.
સાયબર ક્રાઈમ સેલ અને સમન્વય પોર્ટલના ઇનપુટ આધારે તપાસ દરમિયાન સિદ્ધપુર સ્થિત બેંક ઓફ બરોડાના પ્રકાશચંદ્ર સોમાભાઈ પટેલના કરંટ એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2025 દરમિયાન આ ખાતામાં કુલ રૂ. 20.32 લાખની રકમ જમા થઈ હતી.
પ્રાથમિક તપાસમાં આ રકમ 17 જેટલા સાયબર ફ્રોડના કેસો સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે, જેમાં ગુજરાત ઉપરાંત તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. પૂછપરછમાં પ્રકાશચંદ્રે પાર્થ ગોવિંદભાઈ પ્રજાપતિ સાથે મળીને નાણાં ઉપાડી આંગડિયા મારફતે મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે પ્રકાશચંદ્ર પટેલ અને પાર્થ પ્રજાપતિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 317(4), 317(5) અને 61(2)(a) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં અન્ય સંડોવાયેલા લોકો અને નાણાં ક્યાં મોકલાયા તેની તપાસ પીએસઆઈ કે.આર. પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ