અમરેલી-લાઠી બાયપાસ રોડ પર કોથળામાં બંધ હાલતમાં વાછરડાનો મૃતદેહ મળતા ચકચાર, જીવદયા પ્રેમીઓમાં રોષ
અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી શહેરના અમરેલી-લાઠી બાયપાસ રોડ પર કોથળામાં બાંધેલી હાલતમાં ગૌવંશના એક વાછરડાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માર્ગ પરથી પસાર થતા સ્થાનિક લોકોની નજર પડતાં જ ઘટનાની જાણ જીવદયા પ્રેમીઓ તથા સંબંધિ
અમરેલી-લાઠી બાયપાસ રોડ પર કોથળામાં બંધ હાલતમાં વાછરડાનો મૃતદેહ મળતા ચકચાર, જીવદયા પ્રેમીઓમાં રોષ


અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી શહેરના અમરેલી-લાઠી બાયપાસ રોડ પર કોથળામાં બાંધેલી હાલતમાં ગૌવંશના એક વાછરડાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માર્ગ પરથી પસાર થતા સ્થાનિક લોકોની નજર પડતાં જ ઘટનાની જાણ જીવદયા પ્રેમીઓ તથા સંબંધિત તંત્રને કરવામાં આવી હતી. કોથળામાં બંધ હાલતમાં મૃત વાછરડું મળતા આ ઘટના કુદરતી મૃત્યુ છે કે પછી તેની સાથે કોઈ પ્રકારની ક્રૂરતા આચરવામાં આવી છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

ઘટનાની જાણ થતાં જીવદયા સંસ્થાના કાર્યકરો સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે ગંભીર તપાસ કરવાની માંગ ઉઠાવી હતી. પશુચિકિત્સક ડો. જી.જે. ગજેરાએ જણાવ્યું હતું કે, વાછરડાનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે કે કોઈ માનવીય ક્રૂરતાના કારણે થયું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ પ્રાથમિક દૃષ્ટિએ કોથળામાં બાંધીને ફેંકવામાં આવ્યું હોવાની બાબત શંકાસ્પદ લાગી રહી છે.

આ ઘટનાને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. તેમણે પશુઓ સાથે થતી ક્રૂરતા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર મામલે અમરેલી પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના આધારો તપાસી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande