'મોરના ઈંડા ચીતરવા ન પડે' કહેવતને સાકાર કરતો જીરા ગામનો રિયલ હીરો – પરેશભાઈ ડોબરીયાની નિઃસ્વાર્થ એમ્બ્યુલન્સ સેવા
અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : “મોરના ઈંડા ચીતરવા ન પડે” એવી લોકોક્તિ જીરા ગામના રિયલ હીરો પરેશભાઈ વિથલભાઈ ડોબરીયાએ સાચા અર્થમાં સાબિત કરી બતાવી છે. કોઈ હોબાળો કર્યા વગર, કોઈ પ્રચાર વગર, શાંતિથી અને નિઃસ્વાર્થ ભાવથી સમાજ માટે જે કાર્ય થાય છે, એ જ સા
મોરના ઈંડા ચીતરવા ન પડે” કહેવતને સાકાર કરતો જીરા ગામનો રિયલ હીરો – પરેશભાઈ ડોબરીયાની નિઃસ્વાર્થ એમ્બ્યુલન્સ સેવા


અમરેલી, 19 ડિસેમ્બર (હિ.સ.) : “મોરના ઈંડા ચીતરવા ન પડે” એવી લોકોક્તિ જીરા ગામના રિયલ હીરો પરેશભાઈ વિથલભાઈ ડોબરીયાએ સાચા અર્થમાં સાબિત કરી બતાવી છે. કોઈ હોબાળો કર્યા વગર, કોઈ પ્રચાર વગર, શાંતિથી અને નિઃસ્વાર્થ ભાવથી સમાજ માટે જે કાર્ય થાય છે, એ જ સાચી સેવા કહેવાય. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખારા વિસ્તારમાં આવેલ જીરા ગામ માટે પરેશભાઈ ડોબરીયાએ એવી જ એક અમૂલ્ય સેવા શરૂ કરી છે.

પરેશ વિથલભાઈ ડોબરીયાએ જણાવ્યું કે તેઓ મૂળ જીરા ગામના વતની છે અને હાલ સુરત ખાતે અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં પોતાનું ગામ, ગામના લોકો અને ત્યાંની મુશ્કેલીઓ તેમને હંમેશા યાદ રહે છે. જીરા ગામ ખારા વિસ્તારનું હોવાથી અહીંના લોકો પહેલેથી જ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે, જેમાં આરોગ્ય સુવિધાનો અભાવ સૌથી મોટો પ્રશ્ન હતો.

પરેશ એ જણાવ્યું કે જીરા ગામ તેમજ આજુબાજુના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહોતી. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો હતું, પરંતુ તાત્કાલિક સ્થિતિમાં દર્દીને મોટા હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે કોઈ સગવડ ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાતા હતા. અકસ્માત, ગંભીર બીમારી, હૃદયરોગ કે પ્રસૂતિ જેવા કેસોમાં સમયસર વાહન ન મળતાં દર્દીના જીવ પર જોખમ ઊભું થતું હતું.

આ સ્થિતિ પરેશને અંદરથી હચમચાવી ગઈ હતી. તેમને મનમાં દૃઢ ઈચ્છા હતી કે પોતાના ગામમાં ઓછામાં ઓછી એક એમ્બ્યુલન્સની સુવિધા હોવી જ જોઈએ. એક દિવસ પરિવાર સાથે ઘરમાં બેઠા હતા ત્યારે તેમણે આ વાત પરિવારજનો સમક્ષ મૂકી. પરિવારના દરેક સભ્યએ આ માનવસેવાના કાર્યને સંપૂર્ણ સમર્થન આપ્યું અને સહમત થયા કે જીરા ગામને એમ્બ્યુલન્સની ભેટ આપવી જોઈએ.

આ નિર્ણય બાદ પરેશ ડોબરીયાએ કોઈ વિલંબ કર્યા વગર કાર્ય શરૂ કર્યું. અંદાજે 8 લાખ રૂપિયાના ખર્ચે એક એમ્બ્યુલન્સ ખરીદી અને તેને ગામને સમર્પિત કરી. આ એમ્બ્યુલન્સ માત્ર જીરા ગામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આજુબાજુના કુલ 9 ગામોના લોકોને તાત્કાલિક આરોગ્ય સેવા પૂરી પાડશે. ખારા અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે આ સેવા કોઈ આશીર્વાદથી ઓછી નથી.

ગામજનો કહે છે કે અગાઉ દર્દીને ખાનગી વાહન કે ભાડાની ગાડી દ્વારા લઈ જવી પડતી હતી, જેમાં સમય, પૈસા અને તણાવ – ત્રણેય વધતા હતા. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ન મળતાં સ્થિતિ વધુ ગંભીર બની જતી હતી. હવે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થતાં લોકોમાં મોટી રાહત છે અને સુરક્ષાની ભાવના ઊભી થઈ છે.

પરેશ ડોબરીયાએ જણાવ્યું કે આ સેવા સંપૂર્ણપણે સેવા ભાવથી શરૂ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ માત્ર વાહનની અછતના કારણે સારવારથી વંચિત ન રહે – એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ છે. આજે પરેશભાઈ ડોબરીયા સાચા અર્થમાં “જીરા ગામના રિયલ હીરો” બની ગયા છે, જેમણે મોરના ઈંડા ચીતર્યા વગર, શાંતિથી અને સાદગીથી સમાજ માટે અનોખી અને યાદગાર સેવા કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande