
- ગોરવાના દેવીપૂજકોને રહેવા માટે અગ્રતાના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સહિત વુડામાં આવાસ ફાળવવા અધિકારીઓને આપી સૂચના
વડોદરા, 20 ડિસેમ્બર (હિ.સ.) વિચરતી વિમુક્ત જાતિ વિકાસ કલ્યાણ બોર્ડ,દિલ્હીના સભ્યશ્રી
ભરતભાઈ પટણીએ તાજેતરમાં વડોદરા શહેરની મુલાકાત લીધી હતી.તેમણે ગોરવા દશામાના મંદિર પાસે દેવીપૂજક સમાજના ઝુપડા દૂર કરાયા હતા તે સ્થળની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. ભરત પટણીએ સરકીટ હાઉસ,વડોદરા ખાતે નિવાસી અધિક કલેક્ટર, ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, મામલતદાર તથા વિચરતી- વિમુક્ત જાતિના આગેવાનો અને ગોરવા દશામા મંદિરના દેવીપૂજકો સાથે બેઠક કરી હતી.
પટણીએ ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓને દેવીપૂજકોને રહેવા માટે અગ્રતાના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવા તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ગોરવા દશામા મંદિરના દેવીપૂજકોને વુડામાં આવાસ મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
વિચરતી-વિમુક્ત જાતિના લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે તમામ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
પટણીએ દેવીપૂજક સમાજને આવાસ,જાતિ પ્રમાણપત્ર, રેશનકાર્ડ અને આધારકાર્ડ સરળતાથી મળે તે માટે અધિકારીઓને કામગીરી કરવા જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ