

પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) પાટણ શહેરના ખોડાભા હોલ ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વવિખ્યાત આધ્યાત્મિક વક્તા બી.કે. શિવાની દીદીએ “સંસ્કાર પરિવર્તનથી સંસાર પરિવર્તન” વિષય પર અમૃતવાણી દ્વારા પ્રવચન આપીને નવા વર્ષમાં નકારાત્મક વિચારો દૂર કરી સુખ-શાંતિમય જીવન રચવાના ઉપાયો રજૂ કર્યા.
કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મોહન પટેલ સહિત શહેરના વેપારી મંડળના પ્રતિનિધિઓ, તબીબો, સામાજિક-રાજકીય આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા. સૌએ પ્રવચનથી પ્રેરણા લઈ જીવનમાં સંસ્કાર પરિવર્તનનો સંકલ્પ કર્યો.
આ પ્રસંગે પાટણ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના બી.કે. નીલમ દીદી, બી.કે. નીતા દીદી અને બી.કે. નિધિ દીદી સહિત વિદ્યાલય પરિવાર દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત-સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ