
- SOGની કાર્યવાહીમાં રૂ. 7.20 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા, 20 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના જશપુરીયા ગામમાંથી ગેરકાયદે ગાંજાનું વાવેતર ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બાતમીના આધારે મહેસાણા SOG ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી એક ખેતરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ખેતરમાં ઉગાડવામાં આવેલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.
તપાસ દરમિયાન ખુલાસો થયો કે પ્રજાપતિ ભીખાભાઈ રામચંદભાઈના ખેતરમાં ખેતી કરતા ઠાકોર કિરણજી રમેશજીએ ગેરકાયદે રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસ દ્વારા ખેતરમાંથી કુલ 14.400 કિલોગ્રામ વજનના ગાંજાના લીલા છોડ કબ્જે લેવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 7.20 લાખ થાય છે. આ મામલે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે નશીલા પદાર્થોના ગેરકાયદે વાવેતર અને વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈને પણ બક્ષવામાં નહીં આવે. હાલ આરોપી પાસેથી ગાંજાનું બીજ ક્યાંથી મેળવ્યું, અગાઉ પણ આવા ગુનામાં સંડોવાયો છે કે નહીં, તેમજ અન્ય કોઈ વ્યક્તિ જોડાયેલી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે. આ કાર્યવાહીથી સતલાસણા તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની સતર્કતા સ્પષ્ટ થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR