


પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) પાટણના શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય કેમ્પસમાં રૂ. 90 લાખના ખર્ચે તૈયાર કરાયેલી નવી શૈક્ષણિક સુવિધાઓનું શનિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શ્રી જૈન મંડળ સંચાલિત આ વિદ્યાલયમાં ચાર નવા ક્લાસરૂમ, 800 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપરપઝ હોલ અને સોલાર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો.
આ સુવિધાઓ વિદ્યાલયની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દાતાઓના આર્થિક સહયોગથી તૈયાર કરવામાં આવી છે. દોઢ વર્ષ અગાઉ સમાજના દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી રૂ. 5 કરોડના ખર્ચે શરૂ કરાયેલી સેલ્ફ-ફાઇનાન્સ વિદ્યાલયને સારો પ્રતિસાદ મળ્યો છે અને હાલમાં અહીં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
ઉદ્ઘાટન પ્રસંગે શ્રી પાટણ જૈન મંડળના પદાધિકારીઓ, દાતાઓ, સંચાલકો અને બંને વિદ્યાલયોના આચાર્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર દાતાઓની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ