
વડોદરા, 20 ડિસેમ્બર (હિ.સ.) વડોદરામાં જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA)ના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે શુક્રવારે સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાત (સીયુજી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યુનિવર્સિટીઉદ્યોગ સહકાર, અભ્યાસક્રમોની રચના, કુશળતા વિકાસ અને સંશોધન ક્ષેત્રે પરસ્પર સહકારની શક્યતાઓ અંગે વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
JICAના પ્રતિનિધિમંડળમાં કોયામા વાતારુ (ઉપ-સહાયક નિયામક, દક્ષિણ એશિયા વિભાગ-1, JICA મુખ્યાલય), ર્યોટેરો સેકિને (એસોસિયેટ પાર્ટનર, મેકિન્ઝી એન્ડ કંપની, ટોક્યો) તથા મિયાગાવા ર્યોટા (JICA, ભારત ઓફિસ)નો સમાવેશ થયો હતો.પ્રતિનિધિમંડળે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટી સભ્યો અને ડીન્સ સાથે બેઠક કરી, જેમાં યુનિવર્સિટીમાં ઉપલબ્ધ અભ્યાસક્રમો, ઉદ્યોગોની વર્તમાન તથા ભવિષ્યની કુશળતા જરૂરિયાતો અને યુનિવર્સિટીઉદ્યોગ સહકારને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી.
JICA કાર્યક્રમના સંયોજક પ્રો. સોની કુન્જપ્પાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ભારત સરકારના નિર્દેશ અનુસાર આયોજિત કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ યુનિવર્સિટી અને ઉદ્યોગ જગત વચ્ચે સંવાદ સ્થાપિત કરી ભવિષ્યની દિશા નક્કી કરવાનો છે.
યુનિવર્સિટીના કુલપતિ (ઈનચાર્જ) પ્રો. અતનુ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક અભ્યાસ (પ્રી-સ્ટડી)ના આધારે એક વિગતવાર પ્રસ્તાવ તૈયાર કરીને શિક્ષણ મંત્રાલય તથા JICAને મોકલવામાં આવશે, જેથી યુનિવર્સિટીઉદ્યોગ સહકારને વધુ મજબૂત અને વ્યવસ્થિત સ્વરૂપ આપી શકાય.
કાર્યક્રમની અધ્યક્ષતા કરતા સ્કૂલ ઓફ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝના ડીન પ્રો. સંજય કુમાર ઝાએ ભારત અને જાપાન વચ્ચે સહકાર અને સંશોધન ક્ષેત્રે રહેલી અપાર શક્યતાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આવા સમયમાં JICAનો સહયોગ સીયુજીની શૈક્ષણિક અને સંશોધન પ્રગતિ માટે મહત્વપૂર્ણ તથા ભવિષ્યમુખી સાબિત થશે.
આ અવસરે આયોજિત ટેકનિકલ સત્રોમાં સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સિસના ડીન પ્રો. તાપસ કુમાર દલપતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020ના સમગ્ર માળખા અને સીયુજીમાં તેના અમલીકરણ અંગે માહિતી આપી હતી. જ્યારે સ્કૂલ ઓફ કેમિકલ સાયન્સિસના ડીન પ્રો. દિનેશ કુમારે યુનિવર્સિટીની સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સુવિધા અંગે વિગતવાર પરિચય આપ્યો હતો.
તે ઉપરાંત અન્ય ફેકલ્ટી સભ્યોએ સીયુજી અને JICA વચ્ચે ભવિષ્યમાં શક્ય સહકાર અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કુશળતા વિકાસ આધારિત કોર્સ, ઉદ્યોગ-કેન્દ્રિત અભ્યાસક્રમ વિકાસ, ઇન્ટર્નશિપ મોડલ અને રોજગારમુખી શિક્ષણ, નેનો ટેકનોલોજી, પર્યાવરણમૈત્રીપૂર્ણ બાયોપ્લાસ્ટિક, ઊર્જા સંગ્રહ, પાણી શુદ્ધિકરણ, ઔદ્યોગિક ગંદા પાણી વ્યવસ્થાપન,લિંગ-સમાવેશી ઉત્પાદન તેમજ જાપાની અભ્યાસ વિભાગની સ્થાપના જેવા મહત્વપૂર્ણ વિષયો પર કુલ નવ પ્રસ્તુતિઓ આપવામાં,આવી હતી.JICA પ્રતિનિધિમંડળની આ મુલાકાતથી સીયુજી અને જાપાન વચ્ચે શૈક્ષણિક, સંશોધન અને ઉદ્યોગ સહકારના નવા માર્ગો ખુલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ