
જૂનાગઢ 20 ડિસેમ્બર (હિ.સ.) ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ ૨૭ ઑક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલકુમાર રાણાવસિયા એ ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે, ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૫ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની ડ્રાફટ મતદારયાદી તા.૧૯.૧૨.૨૦૨૫ ના રોજ તમામ મતદાન મથકે પ્રસિધ્ધ કરવામાં આવી છે.
ભારતીય ચૂંટણી પંચ દ્રારા તા.૨૭/૧૦/૨૦૨૫ ના જાહેરનામાથી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૫ જાહેર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે તા.૨૨/૧૦/૨૦૨૫ ની સ્થિતીએ જૂનાગઢ જિલ્લામાં નોંધયેલા કુલ ૧૩,૦૦,૩૪૪ મતદારોને ગણતરી ફોર્મ વિતરણ કરવામાં આવેલ હતા. જેમાંથી ૧૧,૪૯,૩૯૫ મતદારોના ગણતરી ફોર્મ મેળવી ડિજિટાઇઝ કરવામાં આવેલ છે. જે મતદારોનો તા૧૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ થયેલ ડ્રાફટ મતદારયાદીમાં સમાવેશ થયેલ છે. જે જૂનાગઢ જિલ્લાના તમામ મતદાન મથકો, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, મહાનગરપાલિકા, જૂનાગઢ તેમજ કલેકટર કચેરી, જૂનાગઢ ખાતે જોઇ શકાશે.
આ કાર્યક્રમમાં ૧,૫૦,૯૪૯ મતદારોના ફોર્મ (મૃત્યુ, ગેરહાજર, કાયમી સ્થળાંતર, ડુપ્લીકેટ કે અન્ય કારણોસર) મળી શકેલ નથી તેવા મતદારોના નામ આ ડ્રાફટ મતદારયાદીમાં સમાવેશ થયેલ નથી. પરંતુ આવા મતદારોનો અલગથી તૈયાર કરેલ A/S/D યાદી એટલે કે ગેરહાજર, સ્થળાંતર અને મૃત્યુની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
આ યાદી ડ્રાફટ મતદારયાદી સાથે જૂનાગઢ જિલ્લાના તમામ મતદાન મથકો, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, મહાનગરપાલિકા, જૂનાગઢ તેમજ કલેકટર કચેરી, જૂનાગઢ તથા તમામ સંલગ્ન સ્થાનીક સ્વરાજયની સંસ્થા (ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા) ખાતે પણ જોઇ શકાશે.
આ સિવાય ઉપરોકત યાદી મુખ્ય નિવાર્ચન અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in પર તથા જૂનાગઢ જિલ્લાની વેબસાઈટ Junagadh.nic.in પર પણ ઉપ્લબ્ધ કરવામાં આવેલ છે.
તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, જૂનાગઢ દ્રારા માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક કરી હતી. જેમાં તેઓને જૂનાગઢ જિલ્લાની ડ્રાફટ મતદારયાદી તથા A/S/D યાદી સુપ્રત કરવામાં આવી હતી. તેમજ તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધી ચાલનાર હકક-દાવા અને વાંધા સુચનના સમયગાળા અંગેની જાણકારી પણ આપવામાં આવી હતી.
સમગ્ર પ્રક્રિયામાં ૧૩૩૮-બીએલઓશ્રી, ૨૭-મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ, ૦૫-મતદાર નોંધણી અધિકારીશ્રીઓ તથા વિવિધ કચેરીનો સ્ટાફ સહાયક તરીકે જોડાયો હતો.
ડ્રાફટ મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા જૂનાગઢ જિલ્લામાં ૧૩૩૮-મતદાન મથકો પર ૬,૬૭,૯૦૦-પુરૂષો, ૬,૩૨,૪૨૪-મહિલાઓ, ૨૦-અન્ય જાતિ સાથે કુલ-૧૩,૦૦,૩૪૪ મતદારો હતા. આ પ્રક્રિયાના અંતે ડ્રાફટ મતદારયાદીમાં ૬,૦૧,૩૯૬-પુરૂષો, ૫,૪૭,૯૮૬-મહિલાઓ, ૧૩-અન્ય જાતિ સાથે કુલ-૧૧,૪૯,૩૯૫ મતદારોનો સમાવેશ થયેલ છે.
આ કાર્યક્રમ દરમિયાન ચૂંટણી પંચની સુચના મુજબ મતદાન મથક દીઠ ૧૨૦૦ મતદારોની મર્યાદા ને ધ્યાનમાં રાખીને મતદાન મથકોના પુન:ગઠનની પ્રક્રિયાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેથી આ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ જિલ્લાના કુલ ૧૩૩૮ મતદાન મથકોમાં ૧૦૧ મતદાન મથકોનો વધારો થતા જિલ્લામાં હવે નવા મતદાન મથકોની સંખ્યા ૧૪૩૯ થયેલ છે. જેમાં ૮૫- માણાવદરમાં ૧૩, ૮૬ જૂનાગઢમાં ૧૫, ૮૭- વિસાવદરમાં ૧૮, ૮૮- કેશોદમાં ૧૮, ૮૯- માંગરોળમાં ૩૭ મળીને કુલ ૧૦૧ નવા મતદાન મથકોની રચના થઈ છે.
જે લોકોના નામ ડ્રાફટ મતદારયાદીમાં સમાવેશ થયેલ નથી એ કિસ્સામાં વ્યકિતએ જે સ્થળે મતદાન કરવા ઇચ્છતાં હોય તે મતદાન મથકના બીએલઓશ્રી પાસેથી ફોર્મ નં.૬ અને ઘોષણાપત્ર મેળવી જરૂરી પુરાવા સાથે તા.૧૯.૧૨.૨૦૨૫ થી તા.૧૮.૦૧.૨૦૨૬ સુધીમાં બીએલઓશ્રીને ફોર્મ જમા કરાવવાનું રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ