
જૂનાગઢ 20 ડિસેમ્બર (હિ.સ.) ભારતનાં ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલા તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીના સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સંબંધિત વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીઓ તથા તમામ મતદાન મથકો પર મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં કરવામાં આવશે . જે સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયા ના અધ્યક્ષસ્થાને જિલ્લાના માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠક દરમિયાન તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દા મતદારયાદીની નકલ પુરી પાડવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ બાદ હાથ ધરવામાં આવનાર પ્રક્રિયાઓ જેમ કે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાની પ્રક્રિયા, નોટીસ ઇસ્યુ કરવી, સુનાવણી તથા ચકાસણી, ગણતરી ફોર્મ પર નિર્ણય, હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ તથા અંતે મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યુ હતુ કે, આ યાદીમાં પોતાનું નામ હોવાની ખાતરી દરેક મતદારોએ સુનિશ્ચિત કરી લેવા માટે જણાવવામાં આવ્યું હતું. મતદારયાદીમાં સમાવિષ્ટ કોઈ મતદારને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા સુનાવણી અંગેની નોટિસ મોકલવામાં આવે તો ચિંતિત થાય વિના ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલા પુરાવા રજૂ કરી, મતદારયાદી સુધારણા કામગીરીમાં મતદારોને સહયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ