રાજ્યમાં લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ બની આત્મનિર્ભર
- બે વર્ષમાં રાજ્યમાં લખપતિ દીદીની સંખ્યા 5.96 લાખને પાર, ગામડામાં રહેતી મહિલાઓના સપના થઇ રહ્યા છે સાકાર - કંકુબેને કચ્છી હસ્તકલા ઉત્પાદનોના વેચાણથી વર્ષે દસ લાખથી વધુની કમાણી કરી, હવે ઓનલાઇન સાઇટ્સ પર પણ વેચાણ - વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત
રાજ્યમાં લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ બની આત્મનિર્ભર


રાજ્યમાં લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ બની આત્મનિર્ભર


- બે વર્ષમાં રાજ્યમાં લખપતિ દીદીની સંખ્યા 5.96 લાખને પાર, ગામડામાં રહેતી મહિલાઓના સપના થઇ રહ્યા છે સાકાર

- કંકુબેને કચ્છી હસ્તકલા ઉત્પાદનોના વેચાણથી વર્ષે દસ લાખથી વધુની કમાણી કરી, હવે ઓનલાઇન સાઇટ્સ પર પણ વેચાણ

- વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે નારી શક્તિના સશક્તિકરણ માટે અનેક સફળ આયામો અપનાવ્યા છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર,20 ડિસેમ્બર (હિ.સ.) સુશાસન દ્વારા રાજ્યના નાગરિકોને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. છેવાડાના નાગરિકો સુધી વિકાસ પહોંચાડવા તેમજ મહિલાઓને સશક્ત બનાવીને ભારતની વિકાસયાત્રામાં જોડવા માટે વિવિધ પહેલો શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ છે.

ગુજરાતની મહિલાઓને આ યોજનાનો બહોળો લાભ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે.પરિણામે ડિસેમ્બર 2025 સુધી રાજ્યમાં 5 લાખ 96 હજાર જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુ સુધી પહોંચી છે અને તેઓ ગર્વ સાથે ગુજરાતની ‘લખપતિ દીદી’ બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે નારી શક્તિના સશક્તિકરણ માટે અનેક સફળ આયામો અપનાવ્યા છે.

લખપતિ દીદી યોજનાના સફળ અમલીકરણથી ગુજરાત આગામી સમયમાં 10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવા માટે તૈયાર છે.

લખપતિ દીદી કાર્યક્રમને રાજ્ય સરકારે સફળતાપૂર્વક જમીન પર અમલમાં મૂક્યો છે. તેના પરિણામે મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. કચ્છના ભુજ તાલુકાના માનકુવા ગામમાં રહેતા કંકુબેન ગર્વાનો પરિવાર પરંપરાગત રીતે હસ્તકલા સાથે સંકળાયેલો છે. તેમણે સરસ મેળામાં સામેલ થઇને તેમના કચ્છી હસ્તકલાના ઉત્પાદો લોકો સમક્ષ રજૂ કર્યા. ત્યારબાદ તેમણે ₹1.5 લાખ કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ અને ₹4 લાખની ક્રેડિટ કેશ લૉન દ્વારા ગામમાં જ દુકાન શરૂ કરી અને સ્વસહાય જૂથની અન્ય મહિલાઓને સાથે જોડીને ઉત્પાદન વધારવાનું શરૂ કર્યું. આજે તેમના ઉત્પાદનો રાજ્યની બહાર પણ પહોંચ્યા છે. તેઓ એમેઝોન જેવી જાણીતી ઓનલાઇન સાઇટ્સ પર પણ વેચાણ કરીને તેમનો વ્યવસાય વધારી રહ્યાં છે. અત્યાર તેઓ વાર્ષિક ₹10 લાખથી વધુની આવક ધરાવે છે અને તેમના જણાવ્યા અનુસાર તેમની આ સફળતામાં રાજ્ય સરકાર તરફથી લાઇવલીહુડ મિશનનો સહયોગ અત્યંત મહત્વપૂર્ણ રહ્યો છે.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વરસાડાના રહેવાસી ભાવના ભરતકુમાર ચૌધરીએ ડ્રોન દીદી બનીને આસપાસના વિસ્તારમાં તેમની અલગ ઓળખ બનાવી છે. તેમણે બી.એ સુધી અભ્યાસ કરેલો છે અને પશુપાલન-ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવાની તાલીમ માટે તેમની પસંદગી થયા બાદ અત્યારે તેઓ કાંકરેજ તાલુકામાં ડ્રોન દીદી તરીકે ઓળખાય છે. તેઓ ગામમાં રહીને તેમના સપના સાકાર કરી રહ્યાં છે અને આસપાસની મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી રહ્યાં છે. ધો.10 પાસ લઘુતમ લાયકાત સાથે 18થી 60 વર્ષના વયજૂથની મહિલાઓ નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન પાઇલટ બની શકે છે.

રાજયના તાલીમબધ્ધ કમ્યુનિટી રિસોર્સ પર્સન (સી.આ.પી.) દ્રારા અત્યારે 10.74 લાખ મહિલાઓની ઓળખ કરવામાં આવી છે જેઓ લખપતિ દીદી બની શકે છે. ઓળખ કરાયેલ સંભવિત લખપતિ દીદીની હાલની પ્રવૃત્તિ તથા તેમની પાસે ઉપલબ્ધ સ્ત્રોતો, થયેલ ખર્ચ અને આવકની વિગતો મેળવવા માટે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્રારા ડિજિટલ આજીવિકા રજીસ્ટર તૈયાર કરવામા આવ્યું છે.

આ ડિજિટલ આજીવિકા રજીસ્ટરથી મળેલી માહિતિના આધારે ઓળખ કરવામાં આવેલી લખપતિ દીદીને તેમની જરૂરિયાત મુજબ તાલીમ, એસેટ, આર્થિક સહાય, તથા માર્કેટીંગ માટે જરૂરી સપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

આ યોજનાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે અમુક મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. તાલુકા સ્તરે 248 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરવામાં આવી છે જેમણે અત્યાર સુધી 10 હજારથી વધુ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સને તાલીમ આપી છે. આ કમ્યુનિટી રિસોર્સ પર્સન્સ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને સહયોગ આપશે. આ સમગ્ર પ્રક્રિયા માટે ડિજીટલ આજીવિકા રજીસ્ટર પર ડેટા અપડેટ કરવામાં આવે છે, જે દેખરેખની સાથે મહિલા સાહસિકોને તાલીમ, નાણાકીય સહયોગ અને માર્કેટ જોડાણ આપવામાં મદદરૂપ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande