
અમરેલી, 20 ડિસેમ્બર (હિ.સ.) : ખાખરિયા ગામના આગેવાનો દ્વારા તાજેતરમાં જનકભાઈ તળાવિયાના કાર્યાલય ખાતે મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા પાણી સંબંધિત પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. આગેવાનોએ ગામમાં પીવાના પાણીની અછત, અનિયમિત પાણી પુરવઠો તેમજ ઉનાળાની ઋતુમાં ઊભી થતી મુશ્કેલીઓ અંગે ધારાસભ્યને માહિતગાર કર્યા હતા.
ગામજનો દ્વારા રજૂ કરાયેલ માંગણીઓમાં નિયમિત અને પૂરતો પાણી પુરવઠો, જૂની અને ખરાબ થઈ ગયેલી પાણી લાઈનોનું સુધારકામ, તેમજ ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય તે માટે સ્થાયી વ્યવસ્થાની જરૂરિયાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આગેવાનોની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને હાલની પરિસ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી.
સમસ્યાની ગંભીરતા ધ્યાનમાં લઈ ધારાસભ્ય એ સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક અને સ્થાયી ઉકેલ માટે જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જેવી મૂળભૂત સુવિધા દરેક નાગરિક સુધી પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે અને આ બાબતે કોઈપણ બેદરકારી સહન કરવામાં આવશે નહીં. આ મુલાકાત બાદ ગામજનોમાં આશા જાગી છે કે ટૂંક સમયમાં ખાખરિયા ગામના પાણી પ્રશ્નોનું નિરાકરણ આવી ગામને રાહત મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai